Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કોંગ્રેસ દેવા માફીના મામલે વિધાનસભાનો ઘેરાવ કરશે

કોંગ્રેસે પ્રતિક ધરણાં કરી આવેદનપત્ર સુપ્રત કર્યું: ખેડૂતોની તાકાતના આધારે સત્તામાં આવેલી સરકાર કેમ ખેડૂતોના દેવા માફ કરતી નથી : રાજીવ સાતવનો સવાલ

અમદાવાદ, તા.૫: ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફી સાથે ૧૨ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ જોડે વાતચીત કરી કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા.૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા ચોમાસું સત્રમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાની આજે કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા તેમજ ખેડૂતના દેવા માફીની માંગ સાથે આજે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજી સરકારના સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેડૂતોના પ્રશ્ને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આજે સવારથી કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રણ કલાક સુધી પ્રતિક ધરણા યોજાયા હતા. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ખાસ હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોની તાકાત પર સત્તામાં આવેલી ભાજપ સરકાર કેમ ખેડૂતોના દેવા માફ કરતી નથી. મોદી રાજમાં બબ્બે મોદી અને માલ્યાને ભાગવાની તક મળી હોવાથી નરેન્દ્ર મોદીએ પોતાના મનની વાત કરવાના બદલે ખેડૂતો, યુવાનો અને મહિલાઓના મનનો અવાજ સાંભળવો જોઈએ. દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઋણમુક્ત કરવા સાથે હાર્દિક પટેલ સાથે વાતચીત કરી કોઈ સુખદ ઉકેલ લાવવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. તેમણે ભાજપ સરકારને ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના બદલે કૃષિ બજેટ વધારવા સાથે ખેડૂતોના દેવા માફ કરી લોન, સબસીડી આપવા માંગ કરી હતી. તો, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્રમાં ખેડૂત વિરોધી ભાજપ સરકારના કારણે ખેડૂતોની દુર્દશા થઇ છે. આ સરકારને મત આપનાર ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓ તેમને અપાયેલા વચનોમાંથી એકપણ વચન પૂર્ણ નહીં થતા આજે હિસાબ માંગી રહ્યા છે. આ સરકારે ખેડૂતને દુઃખી કરી તમામ સમાજ અને વર્ગને દુઃખી કર્યા છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો, પાક વીમો, ઊભા પાકને રક્ષણ, સિંચાઈ અને ૧૬ કલાક વીજળી સાથે દેવા માફ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓને ખેરાત કરતી આ સરકાર ખેડૂતોના દેવા માફી સાથે હાર્દિક પટેલ સાથે વાતચીત કરી ઉકેલ નહીં લાવે તો ખેડૂતોના સહકારથી તા.૧૮-૧૯ સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આજના ધરણાં કાર્યક્રમ બાદ કોંગ્રેસના પૂર્વ-વર્તમાન ધારાસભ્યો અને આગેવાનો સાથે કોંગી પ્રતિનિધિમંડળ તરફથી સરકારના સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(9:40 pm IST)