Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ડ્રોન દ્વારા દવા છંટકાવનો પ્રતાપનગર ગામેથી ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરાયેલો પ્રારંભ

ખેડૂતોનો સમય, ઉર્જા અને ખર્ચ બચાવવાના આશયથી સરકાર દ્વારા શરૂ કરાયેલી કૃષિક્ષેત્રે અધ્યતન ટેક્નોલોજીની નવી યોજના:ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ૬૦૦ રૂપિયા પ્રતિ એકરના દવા છંટકાવના ખર્ચ સામે સરકાર દ્વારા એકરદીઠ અપાશે ૯૦ ટકા સબસિડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નવીન ડ્રોન ટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે કૃષિક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના અમલમાં મૂકાઈ છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન અને સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા. ૦૫ ઓગષ્ટ, ૨૦૨૨ના રોજ નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામેથી ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લામાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે દવા છંટકાવની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
   આ અવસરે ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, આ નવીન ડ્રોન ટેકનોલોજીની મદદથી જિલ્લાના ખેડૂતો નેનો યુરિયાની ૫૦૦ મિ.લી.ની બોટલથી એક એકર જમીનમાં નજીવા ખર્ચે અને ખૂબ ઓછા સમયમાં દવાનો છંટકાવ કરી શકશે. એક એકર જમીન વિસ્તારમાં દવાના છંટકાવ માટે ખેડૂતોને રૂપિયા ૬૦૦ જેટલો નજીવો ખર્ચ થશે. માત્ર એટલું જ નહીં પણ ખેડૂતોને આર્થિક બોજો ન પડે તે માટે સરકારશ્રી દ્વારા ૯૦ ટકા સબસિડી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ ડ્રોનની મદદથી ખેડૂતો પાકમાં સરળતાથી દવાનો છંટકાવ કરી શકશે, જેનાથી ખેડૂતોનું કામ ખૂબ જ સરળ બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
    ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજીથી સંચાલિત ( કૃષિ વિભાગ ) દ્વારા નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં યુરિયા ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેડૂતો નેનો યુરિયા, પાક સંરક્ષકો તથા અન્ય FCO માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરોનો ખેતરમાં ઓછા સમયમાં પાકની અલગ-અલગ અવસ્થા માં છંટકાવ કરી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે.
 માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષમાં કૃષિ ક્ષેત્રે અધ્યતન ટેકનોલોજીના ઉપયોગ અંગેની યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ થકી નેનો યુરિયા, પાક સંરક્ષકો તથા FCO માન્ય જૈવિક ખાતરો વગેરેનો ડ્રોન ટેકનોલોજીથી તેઓના પાકમાં અલગ અલગ અવસ્થાએ છંટકાવ કરાવી શકશે.
   વધુમાં તેમણે ઉમેર્યું કે, આ યોજનાનો નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામેથી શેરડીના પાકમાં દવાનો છંટકાવ કરી શુભારંભ કરવામાં આવેલ છે. શેરડી પાકમાં અમુક અવસ્થાએ ખેડૂતો ખેતરમાં માણસથી અથવા તો બીજી રીતે જ્યારે ખાતર કે જંતુનાશકનો ઉપયોગ ન કરી શકતા હોય તેવા સમયે આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી છંટકાવ આસાનીથી કરી શકાશે. આ યોજનાના લાભ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ ઉપર ખેડૂતો અરજી કરી શકે છે.
   ડ્રોન ટેક્નોલોજીના પ્રારંભે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ, ગામના તેમજ આસપાસના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(10:21 pm IST)