Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

વાપીમાં રોડ પર એસિડ ભરેલી ટાંકી નીચે પડતા એસિડ લીક : લોકોને આંખમાં બળતરા-શ્વાસ લેવામાં તકલીફ

ટેન્કમાંથી એસિડ રસ્તા પર ઢોળાતાં આસપાસના વિસ્તારમાં એસિડની દુર્ગંધ અને એસિડના ધૂમાડા ફેલાઈ ગયા

વાપીના જાહેર રસ્તા પર એસિડ ભરીને જઈ રહેલા એક વાહનમાંથી એસિડ ભરેલી ટાંકી રોડ પર નીચે પડતાં ટાંકીમાંથી એસિડ લીક થયું હતું. જેના પગલે થોડા સમય સુધી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ટેન્કમાંથી એસિડ રસ્તા પર ઢોળાતાં આસપાસના વિસ્તારમાં એસિડની દુર્ગંધ અને એસિડના ધૂમાડા ફેલાઈ ગયા હતા, જેના કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી

બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને એસિડની ટાંકીમાંથી રોડ પર ઢોલાઈ રહેલા એસિડના પ્રવાહને બંધ કરવામાં આવ્યો હતો. સાથે જ રસ્તા પર એસિડમાંથી નીકળી રહેલા ધૂમાડા અને દુર્ગંધને ન્યુટ્રલ કરવા માટે ફોમનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

વાપી જીઆઇડીસીના હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલા ટેમ્પોમાંથી એસિડની એક ટાંકી નીચે પડી ગઈ હતી. નીચે પડતા ટાંકીમાંથી એસિડ લીકેજ થયું હતું. જેને કારણે રસ્તા પર એસિડ ઢોળાતા ધૂમાડા અને દુર્ગંધ ફેલાઈ હતી.

એસિડ ઢોળાવાને પગલે રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને એસિડના લીકેજને બંધ કરી દીધું હતું. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી

(3:10 pm IST)