Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં: ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અચાનક પોલીસ મથકોમાં પહોંચી જાય છે

અનિચ્‍છનીય તત્‍વો ગાયબ, તમામ રેકોર્ડ, મુદ્દામાલ રૂમ સહિતની ચકાસણી કરી તેમની સમસ્‍યા પણ પૂછે છે : અરજદારોને પણ તેમની ફરિયાદ પોલિસ સાંભળે છે કે નહિ? તેની ખાત્રી સાથે કોઈ મુશ્‍કેલી હોય તો પોતાનો સીધો સંપર્ક કરવા અજય ચૌધરી દ્વારા જણાવાય રહ્યું છે

રાજકોટ, તા.૬:  અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ રજા પર જતા તેમનો ચાર્જ ગાંધીનગર દ્વારા ધારાસભા ચૂંટણી નજીકના માસમાં હોય કોઈ નવો બખેડો ઊભો થાય નહિ તે માટે લોકપ્રિય એવા જોઇન્‍ટ પોલિસ કમિશનર અજયકુમાર ચૌધરીને ચાર્જ સુપ્રત થતાં સાથે જ તેમની પસંદગી સાર્થક કરતા હોય તેમ રાત્રિ પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગમા પોતે જાતે નીકળતા લોકોમા સલામતી અને ગુનેગારોમાં ડરનો માહોલ સર્જાવા સાથે સાહેબનું અનુકરણ કરી તમામ અધિકારીઓ અને સ્‍ટાફ રોડ પર ઉતરી ગયો, સાથે સાથે પીઆઇ અને ડીસીપીની બેઠકમાં કોઇ સંજોગોમાં દારૂ ન વેચાવો જોઈએ તેમ જણાવવા સાથે જવાબદારી ફિક્ષ કરવાની સ્‍પષ્ટ ચીમકી આપતાં અનોખો માહોલ સર્જાયો છે.            

ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી સરપ્રાઈઝ તમામ પોલીસ મથકની વિઝિટ કરતા હોવાથી પીઆઇ સહિત સ્‍ટાફ યુનિફોર્મ સાથે તમામ રૂમોની સાફ સફાઈ સાથે પોલીસ સ્‍ટેશન રેકોર્ડ વ્‍યવસ્‍થિત કરવા લાગ્‍યો છે. માત્ર પીઆઇ ઓફિસમા બેસી ચા પી ચાલ્‍યા જવાના બદલે મુદ્દામાલ રૂમ ચેક કરે છે, અને સૂચનાઓ આપે છે.             

પોલીસ મથકમાં પણ હવે નિયમિત યુનિફોર્મ સાથે હાજરી , અનિઈચ્‍છનીય તત્‍વો હવે ઘણા પોલીસ મથકમાં આવતા વિચાર કરવા લાગ્‍યા છે, અરજદારોને શાંતિથી સાંભળી તેમના નિકાલ અંગે અરજદારોને પૂછપરછ કરવા સાથે કોઇ અસંતોષ હોય તો પોતાને સીધા મળવા માટે જણાવતા લોકોને પણ આ નવતર અભિગમ પસંદ પડ્‍યો છે.પોલીસ સ્‍ટાફને પણ તેમની મુશ્‍કેલી જણાવવા સામેથી કહે છે.

(1:53 pm IST)