Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ગુજરાતમાં ૭૪.૭૪% વરસાદ : ૫૭ ડેમોમાં હાઇએલર્ટ, ૧૦માં એલર્ટ

કચ્‍છમાં ૧૨૧.૬૫, સૌરાષ્‍ટ્રમાં ૬૭.૫૨, ઉત્તર ગુજરાતમાં ૬૨.૪૫, મધ્‍યમાં ૬૫.૪૫ અને દક્ષિણમાં ૮૬.૨૭ ટકા વરસાદ : જામનગરનો વાગડિયા, કુતિયાણાનો કાલીન્‍દ્રી, ગોંડલનો વેરી, વિસાવદરનો ઝાંઝશ્રી, તાલાળાનો હિરણ-૧, ધારીનો ખોડિયાર, જામકંડોરણાનો ફોફળ-૧ વગેરે ડેમ છલોછલ

રાજકોટ તા. ૬ : ગુજરાતમાં જુલાઇમાં અનરાધાર વરસાદ થયા બાદ ઓગષ્‍ટમાં પણ મેઘસવારી ચાલુ રહી છે. રાજ્‍યના તમામ ૨૫૧ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. હજુ ચોમાસાનો દોઢેક માસનો સમય બાકી છે. આજે સવાર સુધીમાં રાજ્‍યમાં સરેરાશ ૭૪.૭૪ ટકા વરસાદ થઇ ગયો છે. ૨૦૬ પૈકી ૫૭ ડેમ ૧૦૦ ટકા ભરાઇ જતા હાઇએલર્ટ પર મૂકાયા છે. ૧૦ ડેમોમાં ૯૦ ટકાથી વધુ પાણી હોવાથી એલર્ટ પર છે. હાલની સ્‍થિતિએ વરસાદી પાણીની આવક સંતોષકારક છે.

કચ્‍છમાં ૧૨૧.૬૫ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૬૭.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૬.૨૭ ટકા, મધ્‍ય ગુજરાતમાં ૬૫.૪૫ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૬૨.૪૫ ટકા વરસાદ નોંધાયો છે. ૧૪ તાલુકાઓમાં ૫ થી ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. બાકીના ૨૩૭ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે.

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં કુલ જળસંગ્રહ ક્ષમતાનું ૭૯.૩૭ ટકા પાણી છે. નર્મદા સિવાઇ રાજ્‍યમાં ૨૦૬ ડેમો છે. તે પૈકી ૩૫ ડેમો છલોછલ થઇ ગયા છે. જેમાં સૌરાષ્‍ટ્રના ૧૪, કચ્‍છના ૧૨, દક્ષિણ ગુજરાતના ૮, મધ્‍ય ગુજરાતના ૧ ડેમનો સમાવેશ થાય છે. સૌરાષ્‍ટ્રમાં ડેમોમાં કુલ સંગ્રહ ક્ષમતા પૈકી ૫૮.૭૫ ટકા જળજથ્‍થો ઉપલબ્‍ધ છે.

(11:40 am IST)