Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

દોઢ મહિનામાં પડયો ૬૦ ટકા વધુ વરસાદઃ માત્ર એક જિલ્લામાં ઘટ

ચાલુ વર્ષે ગુજરાત પર મેઘરાજા મહેરબાન : સૌરાષ્ટ્રમાં ૪૨ ટકા વધુ વરસાદ પડ્‍યો છે જયારે બાકીના ગુજરાતમાં ૨૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે

અમદાવાદ, તા.૬: ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાના દોઢ મહિનામાં એટલે કે જૂન અને જુલાઈ દરમિયાન ૬૦ ટકા વધુ વરસાદ વરસ્‍યો છે. રાજયસભામાં તાજેતરમાં જ આપવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો છે કે, ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત સૌથી વધુ વરસાદ પ્રાપ્ત કરનારું દેશનું ત્રીજું રાજય છે. ડેટા પ્રમાણે, જુલાઈના અંત સુધીના સરેરાશ દશકાની તુલનામાં તેલંગાણામાં અત્‍યાર સુધીમાં સીઝનનો ડબલ વરસાદ (૧૦૭ ટકા) વરસી ચૂક્‍યો છે, જયારે તમિલનાડુમાં ૭૭ ટકા વધુ વરસાદ પડ્‍યો છે. ૫૦ ટકાથી વધુ વરસાદ પડ્‍યો હોય તેવું બીજું એક રાજય રાજસ્‍થાન છે જયાં ૫૮ ટકા વરસાદ પડ્‍યો છે. દેશમાં એકંદરે ૧૦ ટકા વધુ વરસાદ પડ્‍યો છે.

ભારતીય હવામાન વિભાગના ડેટા પ્રમાણે, સૌરાષ્ટ્રમાં ૪૨ ટકા વધુ વરસાદ પડ્‍યો છે જયારે બાકીના ગુજરાતમાં ૨૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે. લોન્‍ગ-ટર્મ એવરેજને ધ્‍યાનમાં લઈએ તો ૫ ઓગસ્‍ટ સુધીમાં માત્ર દાહોદમાં જ વરસાદની ઘટ જોવા મળી છે. અહીં ૩૭ ટકા ઘટ છે. ૩૩ જિલ્લામાંથી ૧૮ અથવા ૫૬ ટકા જિલ્લાઓમાં જરૂરથી વધુ વરસાદ પડ્‍યો છે જયારે બાકીના જિલ્લાઓમાં સામાન્‍ય વરસાદ નોંધાયો છે.

તાજેતરમાં જ ચોમાસાના સેકન્‍ડ હાફની આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે, ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરમાં પણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે બાકીના જિલ્લામાં હળવાથી સામાન્‍ય વરસાદની વકી છે.

રાજયને આ વર્ષે સારા ચોમાસાનો લાભ મળ્‍યો છે. આબોહવામાં પરિવર્તન આવતાં તાપમાન વધ્‍યું છે અને તેના લીધે વરસાદ પણ વધ્‍યો છે. જુલાઈના અંત સુધીમાં જ કચ્‍છમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ પડી ગયો હતો, તેમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્‍યું.

(10:38 am IST)