Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

બોર્ડ દ્વારા લેવાયેલ ગુજકેટની પરીક્ષાના પ્રશ્નપેપર સરળ : વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ

પુસ્તક આધારીત તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ગુજકેટમાં ખુબ જ સારો દેખાવ કરશે તેમ વિષય નિષ્ણાંતોનું અનુમાન

અમદાવાદ :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પેપરથી વિદ્યાર્થીઓ આનંદિત થઇ ઉઠયા છે. ગુજકેટના પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા પણ વધુ સરળ રહ્યા હતા. ગુજકેટમાં એકંદરે 95 ટકા જેટલા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી. જ્યારે રાજ્યમાં ગેરરીતીનો એક પણ કેસ નોંધાયો ન હતો. પુસ્તક આધારીત તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ગુજકેટમાં ખુબ જ સારો દેખાવ કરશે તેમ વિષય નિષ્ણાંતો અનુમાન કરી રહ્યાં છે.

ગુજકેટમાં દરવર્ષે પ્રશ્નો ફેરવીને પુછવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓની કસોટી થતી હતી. જોકે, આ વખતે 70 ટકા અભ્યાસક્રમ આધારિત પેપરમાં પ્રશ્નો ફેરવીને પૂછવાના બદલે સીધા જ પુસ્તકોમાંથી પુછવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને ખુબ જ રાહત થઇ હતી. ગુજકેટના પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા. પરીક્ષા પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. વહેલીતકે પરિણામ તૈયાર કરી જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજેકટમાં પ્રથમ સેશનમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નોંધાયેલા 117987 વિદ્યાર્થીઓ પૈકી 112816 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, પ્રથમ સેશનમાં 95.62 ટકા જેટલા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી. જ્યારે બીજા સેશનમાં બાયોલોજીનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં નોંધાયેલા 69939 વિદ્યાર્થીઓ પૈકી 67249 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, બાયોલોજીમાં 96.15 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી. જ્યારે છેલ્લા સેશનમાં ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નોંધાયેલા 48654 વિદ્યાર્થીઓ પૈકી 46216 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગણિતમાં વિદ્યાર્થીઓની હાજરી 94.99 ટકા જેટલી નોંધાઈ હતી.

ફિઝીક્સના શિક્ષક અમીત પટેલે જણાવ્યું હતું કે, પેપર એકદમ સરળ અને પુસ્તક આધારીત પુછવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને પેપર ખુબ જ સરળ લાગ્યું હતું. ફિઝીક્સમાં ઘણા વિદ્યાર્થીઓ ખુબ જ સારો સ્કોર કરી શકશે. દરવર્ષની સરખામણીમાં આ વખતે પેપર સરળ રહ્યું હતું.

જયારે કેમેસ્ટ્રીના શિક્ષક તુસાર સુરાએ જણાવ્યું હતું કે, કેમેસ્ટ્રીનું પેપર પણ ફિઝીક્સની જેમ સરળ જ રહેવા પામ્યું હતું. જોકે, કેમેસ્ટ્રીમાં પેપર સેટર દ્વારા ત્રણ-ચાર પ્રશ્નો ટ્વિસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓની આ પ્રશ્નોમાં કસોટી થઈ હતી. જોકે, સમજણ આધારીત તૈયારી કરીને ગયેલા વિદ્યાર્થીઓને આ પ્રશ્નો પણ સરળ લાગ્યા હતા. પરંતુ ગોખણપટ્ટી કરનારા વિદ્યાર્થીઓ આ પ્રશ્નોમાં અટવાયા હતા.

ગણિતના શિક્ષક શાહિરભાઇએ જણાવ્યું હતું કે, ગણિતનું પેપર ખુબ જ સરળ રહ્યું હતું અને પુસ્તકમાંથી ઘણા પ્રશ્નોમાં રકમ પણ બદલ્યા વગર જ સીધા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. મોટાભાગે ગુજકેટમાં ગણિતનું સેક્શન વિદ્યાર્થીઓને અઘરૂ લાગતું હોય છે. પરંતુ આ વખતનું પેપર ખુબ જ સરળ રહ્યું હતું.

બાયોલોજીના શિક્ષક ભાર્ગવીબેન શાહે જણાવ્યું હતું કે, બાયોલોજીનું પેપર સંપુર્ણ પુસ્તક આધારીત રહ્યું હતું. બાયોલોજીમાં જે વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકનો અભ્યાસ કરી પરીક્ષા આપી હશે તેઓ ખુબ જ સારા ગુણ મેળવી શકશે. આ વખતે ગુજકેટમાં વિદ્યાર્થીઓના ગુણ આવ્યા બાદ નજીકની સ્પર્ધા જોવા મળી શકે છે.

(10:16 pm IST)