Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

શિક્ષકોને હાજર કરવાના મુદ્દે સરકાર અને શાળા સંચાલકો આમને-સામને

શિક્ષકો શનિવારે સ્કૂલમાં હાજર થવા જાય પણ તેમને શુક્રવારના રોજ હાજર ગણવા અંગેની સૂચના જારી કરવામાં આવતાં વિવાદ

અમદાવાદ : રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના 2 હજારથી વધુ શિક્ષકોને શુક્રવારે એકસાથે સરકાર દ્વારા રોજગાર કાર્યક્રમ અંતર્ગત નિમણૂંક પત્રો આપવામાં આવ્યા છે. આ શિક્ષકો શનિવારે સ્કૂલમાં હાજર થવા જાય પણ તેમને શુક્રવારના રોજ હાજર ગણવા અંગેની સૂચના જારી કરવામાં આવતાં વિવાદ થયો છે. આ મુદ્દે સરકાર અને શાળા સંચાલકો આમને-સામને આવી ગયા છે. સંચાલકો જે દિવસે શિક્ષકો હાજર થાય તે દિવસથી જ તેમને હાજર ગણવા માટે જણાવી રહ્યા છે.

જ્યારે ભરતી સમિતિ દ્વારા આવા શિક્ષકોને 6 ઓગસ્ટના રોજ પણ હાજર ગણવા માટેની સુચના આપી છે. આ નિયમને લઈને સંચાલકો અકળાયા છે. જે શિક્ષક તેમની સ્કૂલે આવ્યો જ નથી તેને કઈ રીતે હાજર બતાવી શકાય તેવો વેધક પ્રશ્ન સંચાલક મંડળ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે. આ મુદ્દે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા ભરતી સમિતિને લેખિતમાં રજૂઆત પણ કરી છે.

ગુજરાત સરકારના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે રોજગાર દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા છે. નિમણૂંક પત્રો આપવા માટે મળેલી સુચનાઓ સાથે સંચાલકોને કોઈ જ વાંધો નથી. જે તારીખે શિક્ષકો હાજર થાય તે તારીખે સ્ટાફ મસ્ટર, સેવા પોથી, સ્વિકૃતિપત્ર અને DEO કચેરીને સંસ્થા તરફથી મોકલવાના હાજર રિપોર્ટમાં તારીખ લખાતી હોય છે. પરંતુ શિક્ષણ વિભાગમાંથી 7 ઓગસ્ટના રોજ હાજર થવા આવે તો તેમને 6 ઓગસ્ટના રોજ હાજર થયેલા ગણવાના રહેશે તેવી સૂચના આપવામાં આવી છે.

જેથી આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ભરતી સમિતિના સચિવને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, કર્મચારી સંસ્થામાં 6 ઓગસ્ટના રોજ આવ્યો જ નથી તો તેને 6 ઓગસ્ટના ખાનામાં સ્ટાફ મસ્ટરમાં સહી કરાવી હાજર કઈ રીતે બતાવી શકાય. 6 ઓગસ્ટના રોજ તે કોઈ ગેરકાયેદસર કૃત્યમાં સંડોવાયેલો હોય અને તેમની સામે એફઆઈઆર થઈ હોય અને તે સંચાલકોની જાણમાં ન હોય અને તેવા વ્યક્તિને 6 ઓગસ્ટના રોજ હાજર કઈ રીતે બતાવી શકાય.

સરકારી, અર્ધ સરકારી અને ખાનગી કંપનીઓમાં વ્યક્તિ જે દિવસે ફરજ પર સાક્ષાત હાજર થયો હોય અને સ્ટાફ મસ્ટરમાં સહી કરી હોય તે દિવસ જ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં માન્ય ગણવામાં આવે છે. કાયદાકીય ભાષામાં તેને ડે ફર્સ્ટ ગણીને નોકરી સંદર્ભે ચુકાદાઓ ભૂતકાળમાં આપવામાં આવેલા છે.

જોઈનીંગ ડેટ, હાજર થવાની તારીખ સંદર્ભે ભવિષ્યમાં સિનિયોરીટી કે કોઈ અન્ય કારણોસર વિવાદ ઉભા થાય ત્યારે કર્મચારીની હાજર તારીખ કઈ ગણવી તે પ્રશ્ન ઉભો થાય છે. જેથી રોજગાર દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ વિભાગોમાં જે તે નિમણૂંક પત્રો 60 હજાર યુવાનોને આપવામાં આવ્યા છે, તેમાં ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોનો આંકડો ગણતરીમાં લેવાઈ ગયો હોવાથી 6 ઓગસ્ટના રોજ હાજર ગણવાની સુચના રદ્દ કરવા માગણી કરી છે.

 

રાજયની ભરતી સમિતિ દ્વારા 2714 શિક્ષકોની રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ફાળવણી કરી છે. તેમાંથી આજે 71 શિક્ષકો ગેરહાજર રહ્યાં હતા. જયારે 2643 શિક્ષકો હાજર રહ્યાં હતા. તો 5 ઉમેદવારોને હાઇકોર્ટના આદેશ અન્વયે નિમણૂંક અંગેના હુક્મપત્ર આપ્યા નથી. સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં 205 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં જ સૌથી વધુ 9 શિક્ષકો ગેરહાજર રહ્યાં હતા. જયારે દાહોદમાં-7, સાબરકાંઠા- આણંદ, ખેડામાં 5-5 શિક્ષકો ગેરહાજર રહ્યાં હતા. તો ગાંધીનગર, ભાવનગર, છોટા ઉદેપુરમાં ચાર-ચાર અને બનાસકાંઠા, મહીસાગર, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગરમાં ત્રણ શિક્ષકો તથા અરવલ્લી, સુરત તથા મહેસાણા અને અમદાવાદ શહેરમાં બબ્બે શિક્ષકો, તો વલસાડ, નવસારી, દેવભૂમિ દ્રારકા, તાપી, પાટણ, ભરૂચ, જૂનાગઢ અને બોટાદમાં એક-એક શિક્ષક ગેરહાજર રહ્યાં હતા.

(10:11 pm IST)