Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કાર લોનના હપ્તા ભરવા છતાં ICICI દ્વારા ગ્રાહકોને પજવણી

બેંકના કલેક્સનન એજન્ટ દ્વારા ગેરકાયદેસર હેરાનગતી : સીપીઈઆરસી દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓને પત્ર દ્વારા દોષિતોની સામે યોગ્ય પગલાં લેવા તાકીદ કરાઈ

અમદાવાદ, તા.૬ : ભારતીય રિઝર્વ બેંકની કડક માર્ગદર્શિકાઓ છતાં ખાનગી બેંકો દ્વારા તેમના ગ્રાહકોને લોન રિકવરીના મુદ્દે ખૂબજ પરેશાન કરવામાં આવતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના એક શખ્સે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી કાર લોન લીધી હતી જે પૂરે પૂરી ચુકવી દીધી હોવા છતાં ૫૫૦૦૦ની રકમ બાકી હોવાનું કહીને આઈસીઆઈસીઆઈ બેંકના રિકવરી એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે પજવણી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે ગ્રાહકોના હક્કોને સુરક્ષા આપવા અને તેમને યોગ્ય ન્યાય અપાવવા માટે કામ કરતી રજિસ્ટર્ડ એનજીઓ ક્ન્ઝ્યુમર પ્રોટેક્શન એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીપીઈઆરસી) દ્વારા બેંકના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સમક્ષ આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. દેશના ૧૮૦ શહેરો અને નગરોમાં ગ્રાહકોના હિતોની જાળવણીમાટે કામ કરતી સંસ્થા દેશમાં હજારો અખબારોને સમાચાર આપતી ન્યૂઝ એજન્સીની સાથે પણ સંકળાયેલી છે.

       સંસ્થા દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓને લખવામાં આવેલી પત્રમાં એજન્ટની આપખુદશાહી અને ગરવર્તણૂંકનો ભોગ બનેલા ગ્રાહકના કાર લોનના તમામ દસ્તાવેજો અને સંપૂર્ણ વિગતો સાથે તેની કઈ રીતે આ એજન્ટો દ્વારા પજવણી કરાઈ તેની વિગત લખી મોકલી છે. સંસ્થાએ બેંકના એજન્ટ અને સિનિયર અધિકારીઓ સામે તત્કાળ પગલાં લઈ મામલાનો નિવેડો લાવવા જણાવ્યું હતું. સંસ્થાએ બેંકને એન્જન્ટ અને બેંકના સિનિયર અધિકારીઓની ગેરવર્તણૂકનો ઉલ્લેખ કરતા તેઓ દ્વારા લોન ધારક સામે કાર્યવાહી સંદર્ભે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવવી, મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૫૬(૩) અંતર્ગત ફરિયાદ, બેંક અને એજન્ટ સામે કેસ દાખલ કરવો, આઈસીઆઈસીઆઈ બેંક વિરૂધ્ધ પ્રકાશ કૌરના કેસમાં સુપ્રીમની ડીક્રીનો સંદર્ભ ટાંકીને આરબીઆઈમાં ફરિયાદ, ગ્રાહકના સિબિલ સ્કોરને ઠેસ પહોંચાડવા બદલ માનહાનીનો કેસ કરવો, સતામણી અને ઘરમાં તોડફોડની ફરિયાદ તથા ગેરકાયદેસર વસૂલાત અંગે કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચીમકી આપી હતી. સંસ્થાએ આ સંદર્ભે આઈસીઆઈસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બેંકના કસ્ટમર સર્વિસ કમિટિના ચેર પર્સન, રિઝર્વ બેંકના કન્ઝ્યુર એજ્યકેશન એન્ડ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટના ચીફ જનરલ મેનેજર, કેન્દ્ર સરકારના નાણાંખાતાના ફાઈનાન્સ સેક્રેટરી અને નેશનલ કન્ઝ્યુમર ડિસ્પુટ રિડ્રેસલ કમિશનના ચેરમેનને પણ આ પત્રની કોપી પાઠવીને યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે.

(9:04 pm IST)