Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રાજ્યના 80 પેટ્રોલ પંપ પર GST વિભાગના દરોડા : કરોડો રુપિયાની કરચોરી પકડાઈ : માલીકોમાં ફફડાટ

અમદાવાદના 4, રાજકોટના 26, ભાવનગરના 7 સહિત ગાંધીધામ, પોરબંદર, જામનગર, બરોડા, સુરત અને સૌરાષ્ટ્રામાં દરોડાની કાર્યવાહી

અમદાવાદ :  ગુજરાતમાં જીએસટી વિભાગના 80 પેટ્રોલપંપો પર દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રુપિયાની કરચોરી પકડાઈ છે. ગુરુવાર સાંજે રાજ્યના 80 પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવતા પેટ્રોલ પંપ માલીકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડામાં અમદાવાદના 4, રાજકોટના 26, ભાવનગરના 7 સહિત ગાંધીધામ, પોરબંદર, જામનગર, બરોડા, સુરત અને સૌરાષ્ટ્રામાં દરોડાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલું રહી હતી.

પેટ્રોલ પંપના માલીકો વેટ નોંધણી નંબર રદ થયા હોવા છતાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ ચાલું રાખીને વેરો ભરતા ન હોવાનું જીએસટી વિભાગના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું. જેને લઇને રાજ્યવ્યાપી પેટ્રોલ પંપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ છે.

તાજેતરમાં ભાવનગરમાં જીએસટીનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં બોગસ બીલીંગ કૌભાંડનો મુખ્ય આરોપી માધા કોપરના નિલેશ પટેલ સામે કોર્ટે નોટીસ બહાર પાડી છે. જો નિલેશ પટેલ હાજર નહીં થાય તો તેની સામે નોન બેલેબલ વોરન્ટ નિકાળવામાં આવશે. જ્યારે ભાવનગરની બોગસ પેઢી એચ. કે. મેટલના માલીક શબાના અસલમ કલ્લીવાલાની કોર્ટે વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

(6:36 pm IST)