Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સુરતના પુણા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવાન પર કાકા સસરા સહીત સાળાએ જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

સુરત: શહેરના પુણા ગામ અર્ચના સ્કૂલની પાછળ સીતારામ સોસાયટીમાં ગુરૂવારે સવારે પ્રેમલગ્ન કરનાર યુવાન ઉપર કાકા સસરા અને સાળાએ જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. મૂળ અમરેલીના લુવારાની યુવતીએ ભાવનગર કોર્ટમાં સાત મહિના અગાઉ પ્રેમલગ્ન કરતા પરિવારને સંબંધ મંજુર હોય હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના લુવારાની વતની 21 વર્ષીય રમીલા છગનભાઈ સીસારાએ સાત માસ અગાઉ બાબુ જીજાળા ( આહીર ) સાથે ભાવનગર કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. રમીલાના પ્રેમલગ્ન તેના પરિવારને મંજુર નહોતા. લગ્ન બાદ રમીલા અને બાબુ સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ વર્ષા સોસાયટીમાં રહેતા હતા. દરમિયાન, ગત સવારે 10 વાગ્યે રમીલાના કાકા શૈલેશભાઈ પુનાભાઈ સીસારા અને સગા મોટા ભાઈ કનુભાઈ પુણા ગામ અર્ચના સ્કૂલની પાછળ સીતારામ સોસાયટીમાં મુરલીધર ફરસાણ પાસે બાબુ પર લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી માથામાં, પગમાં તથા હાથ ઉપર ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા.બાબુને સારવાર માટે ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

બનાવની જાણ થતા રમીલા અને બાબુના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. પુણા પોલીસે રમીલાની ફરિયાદના આધારે તેના કાકા અને સગા મોટા ભાઈ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

(5:26 pm IST)