Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અમદાવાદમાં કોમ્‍પ્‍યુટર ક્‍લાસીસમાં ટેલીનો કોર્સ કરવા જતી યુવતિ સાથે શિક્ષક ભાવેશ મહેતાએ દુષ્‍કર્મ આચર્યુઃ અંગત પળોના ફોટા અને ચેટીંગ સોશ્‍યલ મીડિયામાં વાયરલ કર્યું

કોમ્‍પ્‍યુટરનો શિક્ષક ધરપકડ બાદ જેલ હવાલે

અમદાવાદ: કોમ્પ્યુટર ક્લાસીસના માલિકે પોતાની જ વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો. પોલીસે બળત્કારી માલિકની ધરપકડ કરીને આગળ તપાસ આદરી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી દાણીલીમડાના એક કોમ્યુટર ક્લાસીસમાં ટેલીનો કોર્સ શીખવા જતી હતી. આ ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ જગદીશભાઈ મહેતા સાથે યુવતીનો સંપર્ક થયો હતો. બાદમાં યુવતીને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી આપવાની વાત કરી હોવાથી યુવતી ત્યાં નોકરી કરવા લાગી હતી.

જો કે ભાવેશ મહેતાએ યુવતીને બે મહિના સુધી કોઈ કામ કરાવ્યું ન હતું. એક દિવસ બપોરના સમયે યુવતી ઓફિસમાં એકલી હતી ત્યારે ભાવેશે બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજી બાજુ ભાવેશની આ હરકતથી યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ગત મહિને નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપીએ ધરપકડ ટાળવા આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થયા બાદ બદલો લેવાના ઈરાદે ફરિયાદી યુવતીના અંગત પ‌ળોના ફોટા અને ચેટિંગ સોશિયલ મીડિયામાં વહેતા કરી દીધા હતા.

આ ઘટનાથી ક્ષુબ્ધ બની ગયેલી યુવતીએ મંગળ‌વારે પોલીસ કમિશનર કચેરીમાં શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરજ પરના પોલીસકર્મીઓએ તેને રોકી પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના વર્ણવતા પોલીસે તેને સમજાવી મહિલા પોલીસને સોંપી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. બાદમાં જેલને હવાલે કર્યો હતો.

(4:59 pm IST)