Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓમાં નોકરી અપાવવાની લાલચ આપીને છેતરપીંડી કરનાર 2 શખ્‍સો ગાંધીધામ પોલીસ ટીમના હાથે ઝડપાયા

મુખ્‍ય આરોપીની શોધખોળઃ લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર ટોળકીનો પર્દાફાશ

ગાંધીધામ: ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં નોકરી અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરતા બે શખ્સોને ગાંધીધામએ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા. જો કે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામના યુવાન સાથે થયેલી ઠગાઈ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

સજ્જન વ્યક્તિઓનું મૌન અસામાજિક તત્વોનું બળ વધારે છે પરંતુ એક વ્યક્તિની જાગૃતતા આવા અસામાજિક તત્વોનો પર્દાફાશ કરે છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીધામના યુવાને પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા અલગ-અલગ જિલ્લામાં લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ઠગ ટોળકીનો પર્દાફાશ થયો હતો.

ગાંધીધામના યુવાનને વિધ્યુત સહાયક એન્જિનિયરની પરિક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને 10 લાખની છેતરપીંડી કરનાર બે શખ્સોને ગાંધીધામ એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા છે. તેમની પુછપરછ દરમિયાન રાજ્યના મહેસાણા, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના લોકોને પણ નોકરી અપાવવાની લાલચ આપીને લોખો રૂપિયા લઈને ઠગાઈ કરી હોવાનુ બહાર આવ્યુ છે.

ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે રૂષીરાજ નવનિતભાઈ રાવલે પોતાને પરિક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને દશ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ એ ડીવીઝન પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી રમેશ સેધાલાલ પરમાર અને રાજેશ ચંદુજી ઠાકોરને ઝડપી પાડયા છે.

બંને આરોપીઓની પુછપરછ દરમિયાન ભરત ત્રિવેદી નામનો શખ્સ પણ આ કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે તેમજ મહેસાણા, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામા પણ નોકરી અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ગાંધીધામ એ ડીવીઝનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ જાડેજાએ જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ આવી રીતે ઠગાઈ કરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(4:56 pm IST)