Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

૫૦,૦૦૦ના લક્ષ્યાંક સામે રાજ્યમાં ૬૨,૦૦૦ યુવાનોને નિમણૂંક પત્ર એનાયત

રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત આજે રોજગાર દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ સુરત તેમજ સાંસદ- પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત ખાતે રાજ્યકક્ષાનો રોજગાર દિવસ કાર્યક્રમ યોજાયોઃ રાજકોટ ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યોે, બોર્ડ-નિગમના ચેરમેનોે રાજ્યભરના વિવિધ સ્થળોએથી ઓનલાઇન જોડાયાઃ મુખ્યમંત્રીના હસ્તે રોજગાર દાતા અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે ડિજિટલ પહેલથી રોજગારી મેળવવા અનુબંધન રોજગાર પોર્ટલનો શુભારંભ : ગુજરાતમાં અગાઉ કોંગ્રેસની સરકારે સરકારી ભરતી ઉપર પ્રતિબંધ મુકયો હતો, જ્યારે ભાજપ સરકારે પાંચ વર્ષમાં ૨ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી આપીઃ સુરત ખાતે નિર્માણાધિન ડાયમંડ બુર્સ હજારો યુવાનોને રોજગારી પુરી પાડશેઃ વિજયભાઈ રૂપાણી

રાજકોટ, તા. ૬ :. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ સુરત તેમજ સાંસદ- પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત ખાતે રાજ્યકક્ષાનો રોજગાર દિવસ કાર્યક્રમ યોજાયો હતો. 

ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ થાય તો રોજગાર વધે છે. રોકાણ વધે તો રોજગારીમાં વધારો થાય છે. ગુજરાતની ઉદ્યોગ નીતિના પરિણામે આજે રોકાણ વધી રહ્યું છે અને ગુજરાત સૌથી વધુ મૂડી રોકાણ ધરાવતું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં ૩૦ લાખથી વધુ MSME એકમો દ્વારા હજારો યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવે છે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં નાના ઉદ્યોગકારો માટે પહેલા પ્રોડકશન અને પછી પરમિશન નીતિ અપનાવનાર ગુજરાત દેશનું રાજ્ય બન્યું છે.  ગુજરાતમાં સોલાર પોલિસીના પરિણામે આવનાર સમયમાં ૧.૨૫ લાખ કરોડનું રોકાણ આવનાર જેથી ગુજરાતના રોજગારીના પરિણામમાં વધારો થશે.

સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર ગુજરાતના યુવાનોને કેવી રીતે વધુ રોજગારી આપવી તે દિશામાં સતત કાર્યરત છે. આ ઉજવણી નહીં પણ આપણી સરકારે કરેલા કાર્યો અને કલ્યાણકારી યોજનાઓનો લોકોને લાભ આપવાનો સેવા યજ્ઞ છે. ભારતમાં સૌથી વધુ શ્રમિકો રોજગારી મેળવવા ગુજરાત આવે છે. કોરોનાકાળમાં ટ્રેનો દ્વારા આપણે શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડ્યા હતા. ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ હવે દિવસે પાવર આવવાથી ખેત મજૂરોને વધુ રોજગારી મળશે. સુરત હિરા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે એટલે સુરતમાં ડાયમંડ બુર્સના નિર્માણથી હીરા ઉદ્યોગને બળ વધશે અને રોજગારીવી વિપુલ તકો ઉપલબ્ધ થશે. આ નવ દિવસના સેવા યજ્ઞ બદલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સમગ્ર સરકારને તેમણે અભિનંદન આપ્યા હતા.

નોંધનીય છે કે, રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, તાપી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, બનાસકાંઠા ખાતે કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ખેડા ખાતે મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, છોટા ઉદેપુર ખાતે મહિલા- બાળ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવા, બોટાદ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા, દેવભુમિ દ્વારકા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોર, નર્મદા ખાતે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, દાહોદ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, આણંદ ખાતે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અરવલ્લી ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી, વડોદરા ખાતે પશુપાલન રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડ, પંચમહાલ ખાતે પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, સાબરકાંઠા ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી ઇશ્વરસિંહ પટેલ, કચ્છ ખાતે પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર, નવસારી ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, પાટણ ખાતે વન રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર, જૂનાગઢ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી, સુરેન્દ્રનગર ખાતે રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, મોરબી ખાતે અન્ન અને નાગરિક પુરવઠો રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરૂચ ખાતે મુખ્ય દંડકશ્રી પંકજભાઇ પટેલ અને અમદાવાદ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી આર. સી. પટેલ સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યો, મેયરોે, બોર્ડ- નિગમના ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં રોજગાર દિવસના કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે સુરત ખાતે મેયરશ્રી હિમાલીબેન બોઘાવાલા, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત સુરત ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો અને રોજગાર વાંચ્છુ યુવક-યુવતી ઉપસ્થિત રહ્યા હતા.

(3:15 pm IST)