Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગુજરાતમાં ૩૦ હજાર શિક્ષકોનું સાતમા પગાર પંચના બાકી હપ્તા સહિતના મુદ્દે ઓનલાઈન આંદોલન : સોશ્યલ મીડિયા દ્વારા વિરોધ પ્રદર્શન

ગાંધીનગર,તા.૬ : હાલ રાજયમાં ઓફલાઈન શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. જેને લઈને શિક્ષકોથી માંડીને વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહત અનુભવી રહ્યા છે. પરંતુ પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને હવે ગ્રાન્ટેડ શાળાના ૩૦ હજાર શિક્ષકો લડી લેવાના મુડમાં છે. આ શિક્ષકો અનેક મુદ્દાઓને લઈને સરકારથી નારાજ છે. શિક્ષકોના આક્ષેપ છે કે, સરકારને જયારે પોતાના કામ કરાવવા હોય છે ત્યારે શિક્ષકોનો ભરપુર ઉપયોગ કરે છે. કોરોનામાં રાશન કિટનું પણ વિતરણ કરાવ્યું, પરંતુ શિક્ષકોના મુદ્દાની વાત આવી ત્યારે હવે સરકાર આંખ આડા કાન કરી રહી છે.

કોરોનાના આ કાળમાં હાલ વિરોધ નોંધાવવા માટેનો સરળ રસ્તો સોશિયલ મીડિયા બન્યું છે. અને સોશિયલ મીડિયાની પહોંચ કરોડો લોકો સુધી છે. વિરોધ કરનારા શિક્ષકોના મુદ્દાઓમાં. શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ, હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકની લંબાયેલ ભરતી પ્રક્રિયા, આચાર્યની નિમણૂંક વખતે ઠરાવ મુજબ તમામને એક ઈજાફાનો લાભ, જૂની પેન્શન યોજના લાગુ કરવવાનું છે. આ તમામ મુદ્દાઓને લઇને શિક્ષકો હાલ લડી લેવાના મુડમાં છે. શિક્ષકોએ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ સહીતના માધ્યમોમાં પોસ્ટ મુકીને વિરોધ નોધાવ્યો છે.

મહત્વનું છે કે, આ પહેલા શિક્ષકો શિક્ષણમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મુખ્યમંત્રીને રજૂઆત કરી ચૂકયા છે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે શિક્ષકોએ વિરોધ આંદોલન શરૂ કર્યું છે. અને હજુ સરકાર દ્વારા તેમના મુદ્દાઓને નહીં સાંભળવામાં આવે તો આગામી રસ્તા પર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચારી છે.તેવામાં જોવું રહ્યું સરકાર શિક્ષકોના પ્રશ્નોને સાંભળે છે કે, હજૂ આંખ આડા કાન કરે છે.

તો આ સાથે ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ધો ૯-૧૦ના ૨૭૫૦ શિક્ષકોને નિમણૂકનો હુકમ અપાશે. જેમાં DEO કચેરીમાં રિપોર્ટિંગ કરી નિમણૂક પત્ર મેળવવાના રહેશે. નિમણૂક પત્ર મેળવ્યાના ૭ દિવસમાં સ્કૂલમાં હાજર થવાનું રહેશે. મેરિટ આધારે નિયુકત શિક્ષકોને સ્કૂલ ફાળવી હતી. ચાલુ વર્ષે કુલ ૭૫૨૫ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.

(12:51 pm IST)