Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મૂકી રહ્યાનું ચિત્ર : શિક્ષકોની ભરતી મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને પ્રાયમરી એજ્યુકેશન ડાયરેક્ટરને ફોન કરવા માટે આદેશ આપ્યા :લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપી રહ્યા હોવાના ઉલ્લેખ સાથે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ : શિક્ષકોની ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. લાયકાત વગરના લાગવગીયા જ્યાં ગોઠવાયા છે એને લઈને હાઈકોર્ટમાં પડઘા પાડ્યા હતા. લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપી રહ્યા હોવાની વાત સામે આવતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અંગેની સુનાવણી કરતી અરજદારે સરકાર તરફથી આવી મંજૂરી અપાતી હોવાનો દાવો કર્યો હતો.

મદદનીશ સરકારી વકીલે સરકાર તરફથી વલણ અપનાવ્યું હતું. જ્યારે ગણપતભાઈ નાનાજી ભાઈ દભાણી તરફથી વકીલ ગૌરવ ચુડાસમાએ હાઈકોર્ટમાં ધારદાર રજૂઆત કરી હતી. જ્યારે સ્કૂલ્સ તરફથી એવો બચાવ કરવામાં આવ્યો હતો કે, સરકારી એક ઠરાવને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે સરકારને આકરી ભાષામાં ટકોર કરી કે, ધો.1થી 5માં ભણાવતા શિક્ષકો ધો.6થી 8માં ન ભણાવી શકે. આ અંગે એક આદેશ જસ્ટિસ એ.એસ.સુપૈયાએ આપ્યો છે. રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે સરકારને મહત્ત્વના સૂચનો આપ્યા હતા. આ સાથે અવલોકન કર્યું છે કે, સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મૂકી રહી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. ધો.1થી 5માં ભણાવતા શિક્ષકો ધો.6થી 8 માટે યોગ્ય નથી હોતા. તે ગેરલાયક હોય છે. તેથી એમને ઉચ્ચ ધોરણમાં અભ્યાસ કરાવવા માટેની કોઈ મંજૂરી ન આપી શકાય. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની શિક્ષણ મુદ્દે એવી ઝાટકણી કાઢી કે, ચાલું સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને પ્રાયમરી એજ્યુકેશન ડાયરેક્ટરને ફોન કરવા માટે આદેશ આપ્યા હતા.

હાઈકોર્ટે મદદનીશ સરકારી વકીલને એવું કહ્યું કે, ડાયરેક્ટરને કહો કે, શિક્ષકો ન મળતા હોય તો નવા ભરતી કરો. ગેરલાયક શિક્ષકોને ભણાવવા જવા દેવા કેવી રીતે? યોગ્ય અને લાયક શિક્ષકોની ભરતી શા માટે કરવામાં આવતી નથી? કાયદો પણ આવી રીતે અપાતા શિક્ષણને કોઈ રીતે મંજૂરી નથી આપતો. અહીં તંત્ર પણ કાયદાનો ભંગ કરી રહ્યું છે. ન માત્ર સરકાર પણ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસરને પણ નોટિસ ફટકારી હતી. આ મામલે યોગ્ય જવાબ આપવા માટે પણ સ્પષ્ટતા કરી હતી. આ ઉપરાંત ડાયરેક્ટર સામે કાયદાકીય પગલાં લેવા પણ હાઈકોર્ટ ચિમકી ઉચ્ચારી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી બાકી રહી ગયેલા શિક્ષકોના ઓર્ડર નીકળવાના શરૂ થઈ ગયા છે. જેમાં ગ્રામ્ય પંથકની શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવી રહી છે

(12:39 am IST)