Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

તમામ રાજ્યો કરતા યુવાનોમાં ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો: પીરીયોડિક લેબર ફોર્સ સર્વેનો વાર્ષિક રિપોર્ટ

બે લાખ યુવક-યુવતીઓને સરકારી સેવામાં નિયુક્તિ મેળવી અને હજુ વધુ 1 લાખની ભરતી કરાશે: ‘રોજગાર દિવસ’ નિમિત્તે સુરતથી મુખ્યમંત્રી દ્વારા 50 હજાર યુવાઓને નિમણૂંક પત્રો એનાયત

 

અમદાવાદ :ગુજરાત સરકારના પાંચ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જોડીને અનેકવિધ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં રોજગાર દિવસ અંતર્ગત યુવાઓને રોજગારી પુરી પાડવાનો પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે. 6 ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરવામાં આવનાર છે.

‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે 50 હજાર યુવાઓને નિમણૂંક પત્રો પણ એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ થશે.

રાજ્યમાં અનેક યુવાઓને સરકારી નોકરીમાં તક મળી છે. સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પ્રવર્તમાન 10 ટકા પ્રતિક્ષા યાદીનું કદ બેવડુ કરીને 20 ટકા કરવામાં આવ્યુ છે. છેલ્લા 4 વર્ષમાં બે લાખ યુવક-યુવતીઓને સરકારી સેવામાં નિયુક્તિ મેળવી છે અને હજુ વધુ 1 લાખ યુવાઓને સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવશે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ 17,05,003 ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી જે પૈકી 5394 રોજગાર ભરતીમેળાના આયોજન થકી 10,45,924 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. દેશના રક્ષણ કાજે ગુજરાતના નવયુવાનો વધુપ્રમાણમાં લશ્કરમાં ભરતી થાય અને ફરજની સાથે સાથે રોજગારી પણ મેળવી શકે તે માટે આ વિભાગ મારફત 30 દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે તેમજ 100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 140 નિવાસી તાલીમવર્ગો કરી 4019 યુવાનોને તાલીમ આપવામાં આવેલ છે. જેના ફળ સ્વરૂપે છેલ્લા બે વર્ષ દરમ્યાન 3141 યુવાનો લશ્કરમાં પસંદગી પામ્યા છે.

એટલુ જ નહી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ફેબ્રુઆરી-2020માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2018’ મુજબ રોજગાર કચેરીઓ મારફતે 2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.

મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020માં બહાર પાડવામાં આવેલા પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 15 થી 29 વર્ષની વયમર્યાદામાં થયેલા સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો એટલે કે 8.4 ટકા છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢના વર્ષ 2015-16ના રિપોર્ટ અનુસાર સમગ્ર ભારતનો બેરોજગારીનો દર 50 (દર હજાર વ્યકિતએ) અંદાજવામાં આવ્યો છે જ્યારે ગુજરાતનો બેરોજગારીનો દર 9 (દર હજાર વ્યકિતએ) અંદાજાયેલ છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે.

રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી મેળવનાર ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાઓનુ આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે રોજગારી મેળવનાર યુવાનો માટે રોજગારી કયા માધ્યમથી મેળવવી તે વિકટ સમસ્યા બની હતી. જેના કારણે રાજ્ય સરકારે ઓનલાઇન 1947 ભરતી મેળાઓ યોજી 76,326 ઉમેદવારોને રોજગારી આપવામાં સફળતા મેળવી છે.

 

ગુજરાત રાજયમાં ભારત સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્ર્સ્ટના સહયોગથી અમદાવાદ ખાતે નાસ્મેદ તાલુકામાં રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 20 એકર જમીન પર ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલ (IIS) ની સ્થાપના થવા જઇ રહી છે. જે રીતે મેનેજમેન્ટ ક્ષેત્ર માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ(IIM) અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) વિશ્વ પ્રસિધ્ધ છે તે જ રીતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ (IIS) કૌશલ્ય ક્ષેત્રે પ્રસિધ્ધિ મેળવશે. આ સંસ્થામાં દર વર્ષે ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ મેળવશે.

ગ્લોબલ ફાયના‍ન્સીયલ અને આઈ.ટી. હબ તરીકે વિકસી રહેલા ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આગામી સમયમાં વિવિધ પ્રકારના કુશળ માનવબળની જરૂરીયાત ઉભી થશે. ગિફ્ટ સીટી ખાતે એરોસ્પેસ એવીએશન, બે‍ન્કીંગ ફાયના‍ન્સ, સર્વિસ-ઈન્શ્યો રન્સા, ઈલેક્ટ્રોનિક્સ, ઓફિસ એડમીનીસ્ટ્રેશન, ફેસીલીટી મેનેજમે‍‍ન્ટ, હેલ્થકેર તથા આઈ.ટી. વગરે સેક્ટરના સી.ટી.એસ. અંતર્ગત લાંબાગાળાના નોન એન્જી નીયરીંગ વ્યવસાયો તથા ટુંકા ગાળાના સર્વિસ સેક્ટરના વ્યવસાયો શરૂ કરવાના આયોજન સાથે નવી આઈ.ટી.આઈ શરૂ કરવા જમીન માટે રૂા. 100 લાખની આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

(12:19 am IST)