Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજ્યના 30 હજાર જેટલા શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો : પડતર પ્રશ્નોને લઈને ખુલીને વિરોધ વ્યક્ત કર્યો

સોશ્યલ મીડિયાના માધ્યમથી આંદોલન : સરકાર સંવાદ માટે નહીં બોલાવે તો આક્રમક આંદોલનનો બીજો તબક્કો શરૂ કરાશે

અમદાવાદ : રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકો પડતર પ્રશ્નો અંગે શરૂ થયેલી લડત ઉગ્ર બનતી જાય છે. જેમાં તબક્કાવાર વધારો થતો જાય છે. રાજ્યના 30 હજાર જેટલા શિક્ષકોએ પોતાના પ્રશ્નોનો ખુલીનો વિરોધ વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં આ આંકડો હજુ ઉંચો જશે તેમ સુત્રોએ જણાવ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 1 ઓગસ્ટથી સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાંથી 30 હજાર કરતા વધુ શિક્ષકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ આંદોલનની શરૂઆત બાદ પણ જો સરકાર સંવાદ માટે નહીં બોલાવે તો આક્રમક આંદોલનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે.

બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. વખતો વખત શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત પણ કરવામાં આવેલી છે. છેલ્લે 13 જુલાઈના રોજ શિક્ષણમંત્રી, નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી પ્રશ્નો ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

શિક્ષણમંત્રી સાથેની મુલાકાત વખતે પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 1 ઓગસ્ટથી આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જોકે, શિક્ષણમંત્રી દ્વારા પ્રશ્નોનો ઉકેલ ન લાવતા કારોબારી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘના મહામંત્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે, આંદોલનની શરૂઆત રવિવારથી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિરોધ વ્યક્ત કરતા ફોટોગ્રાફ, સેલ્ફી તથા સમુહ ફોટો અપલોડ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

આ આંદોલનમાં અત્યાર સુધી 30 હજાર કરતા વધુ શિક્ષકોએ પોતાનો આક્રોશ સોશિયલ મિડીયા પર ઠાલવ્યો છે. જ્યારે હજુ આ આંકડો 7 ઓગસ્ટ સુધી વધશે. આ આંદોલન પછી પણ જો સરકાર દ્વારા ચર્ચા માટે બોલાવવામાં નહીં આવે તો સંગઠન દ્વારા કારોબારી બોલાવી આંદોલનના બીજા તબક્કાની શરૂઆત કરશે. બીજા તબક્કામાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે.

શૈક્ષણીક મહાસંઘ દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે ઉકેલની માગણી કરવામાં આવી છે. જેમાં પાંચ વર્ષની સળંગ નોકરી, જૂના શિક્ષકની ભરતી, સાતમા પગાર પંચના હપ્તાની ચુકવણી, આચાર્ય નિમણૂંકને 65ના ઠરાવ મુજબ એક ઈજાફો, જૂની પેન્શનલ યોજનાનું અમલીકરણ અને ફાજલનું બિન શરતી રક્ષણ જેવી માંગણીઓ કરવામાં આવી છે. આ માંગણીઓનો ત્વરીત ઉકેલ માટે આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.

(12:05 am IST)