Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વલસાડના પારડીના કોલક ગામના માછીમાર યુવાને ઘરના ટેરેસ ઉપર ગાર્ડનીગની કળા વિકસાવી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ચીની શબ્દ બોન્સાઇને જાપાનમાં પેનઝાઈ તરીકે ઓળખાય છે અને બોન એટલે નાનકડું પાત્ર અને તેમાં ઉછરેલુ વૃક્ષ જેના પર્ણ નાના આકાર, નાનો ફળોના હોય તેને બોન્સાઇ તરીકે ઓળખવામાં આવે છે. જેને ઉછેરવા માટે એક વિશેષ કાળજી રાખવી પડે છે. હાલમાં મોટા ઘર, ફાર્મ હાઉસ, હોટલોમાં તેની ખૂબ માગ છે, ત્યારે પારડી તાલુકાના દરિયા કિનારે આવેલા કોલક ગામના મૂળ માછીમાર યુવક ભાવેશ નગીનભાઈ ટંડેલ અને તેમના ધર્મ પત્ની જેઓ કોલકમાં મોટી મેડી ફળીયામાં રહે છે. તેઓએ પોતાની ગાર્ડનિંગ કલાને વિકસાવી છે. તેમના ઘર આંગણે જમીન નથી છતાં પોતાના ટેરેસ ઉપર તેમને એક ગાર્ડન ઉભું કર્યું છે

  . હાલમાં તેમની પાસે 300 જેટલા બોન્સાઇના છોડ છે.મહત્વનું છે કે એક બોન્સાઇનો છોડ તૈયાર કરતા ચારથી પાંચ વર્ષ જેટલો સમય લાગે છે. તેમજ તેની કિંમત પણ ખૂબ ઊંચી છે જે 10 હજારથી લઈને 70થી 80 હજાર રૂપિયાની કિંમતે વેચાણ થતું હોય છે. હાલમાં તેમની પાસે ફાઈકસ, ઝેડ, બોગનવેલ, ઓડેનિયમ, નિકોલીયા જેવા અનેક આકર્ષક બોન્સાઇ છે. ઝમરૂખ, લીંબુ , વડ, દાડમ પણ તેેઓએ તૈયાર કર્યા છે અને તેમના આ કાર્યમાં તેમની ધર્મ પત્ની પણ મદદ રૂપ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ છે કે તેમની પાસે બોટનીની ડીગ્રી છે.જો એક માછીમાર યુવક ધગશ અને ખંત પૂર્વક પોતાના ટેરેસ ઉપર બોન્સાઇ જેવી જાપાની ગાર્ડનિંગ કલાને આકાર આપી પોતાની કલાને વિકસાવીને આવક રળી રહ્યો છે,

 આ સમગ્ર બાબત ગાર્ડનિંગ કરતાં અન્ય યુવાનો માટે પણ એક અનોખો દાખલો અને ઉદાહરણ બની શકે તેમ છે. કારણ કે દરિયા કિનારાની આબોહવા અને તેમાં પણ ગાર્ડનિંગ કરવું તે ખૂબ મહેનત માગી લે તેમ છે. મહત્વનું છે કે બોનસાઈ જેવા વૃક્ષોને ઉગાડવા માટે ખૂબ જ ધીરજ અને કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

(8:44 pm IST)