Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભૂકંપનાં ૪૦ સેકન્ડ પહેલાં એસએમએસ એલર્ટ મળશે

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપ ભૂલી શકાયો નથી : ગાંધીનગરમાં આવેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સેસ્મિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકાર અરલી વોર્નિંગ સિસ્ટમ વિકસાવી

અમદાવાદ, તા.૬ : જાન્યુઆરી ૨૬, ૨૦૦૧નો એ જાહેર રજાનો દિવસ હજુ પણ ઘણા અમદાવાદીઓ ભૂલ્યા નહીં હોય જ્યારે મોટાભાગના લોકો વહેલી સવારની ઉંઘ માણી રહ્યા હતા અને ઘાતક ભૂકંપને તેમને આંખો સામે મોતના દર્શન કરાવી દીધા હતા. ચારેબાજુ તારાજી સર્જનાર આ ભૂકંપ બાદ હવે ગાંધીનગરમાં આવેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સેસ્મિક રિસચ ખાસ પ્રકારની અરલી વોર્નિંગ સિસ્ટમ વિકસાવી રહ્યું છે જો બધુ બરાબર રહેશે તો ભૂકંપ જમીનની સપાટી પર સ્ટ્રાઈક કરશે તેની ૪૦ સેકન્ડ પહેલા લોકોને એસએમએસ એલર્ટ મળશે.

ગાંધીનગર આઈસીઆર એડવાન્સ અરલી અર્થક્વેક વોર્નિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. જેથી લોકોને તેમના મોબાઈલ ફોન મારફત ભૂકંપના આવ્યાના ૪૦ સેકન્ડ પહેલા જાણ કરવામાં આવશે. જેથી જેટલા વધુ લોકોના જીવ બચાવી શકાય તેમજ કેટલીક મહત્વની સેવાઓ જેમ કે ગેસ અને ઈલેક્ટ્રિકસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બંધ કરીને મોટી હોનારત ટાળી શકાય.

આઈએસઆરના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી ખાસ પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ તૈયાર કરી રહ્યા છે. હાલ તે કચ્છમાં એપીસેન્ટર હોય તેવા નાનામાં નાના ભૂકંપને પણ ૧૫ સેકન્ડની અંદર પકડી શકે છે અને તેના કારણે અમદાવાદ જેવા શહેર સુધી તે ભૂકંપના તરંગો પહોંચે તે પહેલા ૪૦ સેકન્ડ જેટલો સમય મળી રહે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓ ભૂકંપના સૌથી પહેલા કંપનને પકડી પાડવા માટેના સમયને હજુ પણ ઓછો કરીને ૧૫ સેકન્ડથી ૧૦-૫ સેકન્ડ સુધી લઈ જવા માટે ટેક્નોલોજીને વધુ ઇમ્પ્રુવ કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ રીતે લોકોને બચી જવા માટે ૪૦ સેકન્ડ ઉપરાંત વધુ ૫-૮ સેકન્ડનો સમય મળી રહેશે.

(8:24 pm IST)