Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

એમબીબીએસના છાત્રો સામે હાલ કોઈ કાર્યવાહી નહીં થાય

છાત્રો સામે કાર્યવાહી અંગે હાઈકોર્ટનો ચુકાદો : કોરોના મહામારીમાં, હાયક તરીકે ફરજ ન નિભાવનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા સામે હાઈકોર્ટની રોક

અમદાવાદ, તા.૬ : બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે તેઓ 'કોરોના સહાયક'ની ડ્યુટી ન નીભાવનારા મેડિકલ વિદ્યાર્થીઓની સામે આદેશના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી શકે નહીં. સરકારે પણ આશ્વાસન આપ્યું હતું કે તેઓ કોર્ટમાં કેસની સુનાવણી ચાલે છે ત્યાં સુધી આવી કોઈ કાર્યવાહી નહીં કરે. આ બાદ એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટૂંકા સમયની રાહત મળી હતી. અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ પોતાની સર્વિસને આગળ લંબાવશે નહીં તો તેમની વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડમિક ડિસીઝ એક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. જે બાદ ૧૪૬ જેટલા મેડિકલ વિદ્યાર્થીઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની પિટિશન સુનાવણી માટે જસ્ટીસ એસ.એચ વોરા સમક્ષ આવી હતી.

               રાજ્ય સરકારે આગ્રહ કર્યો હતો કે આ પિટિશનની સુનાવણી કોવિડ-૧૯ પર સુઓ મોટો પીઆઈએલ દ્વારા કરવામાં આવે. વિદ્યાર્થીઓના એડવોકેટ આનંદ યાજ્ઞિકે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો અને કોર્ટમાં સબમિટ કર્યું કે, જો આ કેસની સુનાવણી ડિવિઝન બેન્ચમાં થાય છે તો વિદ્યાર્થીઓ પોતાની અપીલ કરવાનો હક ગુમાવી દે છે. ડિવિઝન બેન્ચ ૪ સપ્ટેમ્બરે મહામારી સંદર્ભના મુદ્દાઓની સુનાવણી કરવાની છે. વકીલે આગ્રહ કર્યો હતો કે વિદ્યાર્થીઓ માટે મુદ્દાની ગંભીરતને સમજવામાં આવે. કોર્ટે દલિલ સાંભળ્યા બાદ કહ્યું કે, રાજ્ય વિદ્યાર્થીઓ સામે કોઈ પગલા ન લઈ શકે. રાજ્ય સરકારે પણ કોર્ટમાં ખાતરી આપી કે, 'કોરોના સહાયક' તરીકે પોતાની સેવાને આગળ ચાલું ન રાખનારા વિદ્યાર્થીઓ સામે તે કોઈ આદેશના ઉલ્લંઘનની કાર્યવાહી નહીં કરે. આ કેસની વધુ સુનાવણી ૭મી ઓગસ્ટે થવાની છે.

(8:22 pm IST)