Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદમાં પતિ 4 દિવસ પહેલા કોરોનામુક્‍ત થયા અને પત્‍ની આગમાં ભુંજાઇ જતા પરિવારનો આક્રોશઃ 7 કલાક સુધી ઘટનાની જાણ પણ ન કરી

અમદાવાદ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ખેલાયેલા આગકાંડમાં કોરોનાના 8 દર્દી જીવતા ભૂંજાયા છે. મૃતકોના સ્વજનો એ દુખમાં છે કે, કોરોનાથી નહિ, પણ આગથી તેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા. જેમાં 72 વર્ષીય લીલાવતીબેન શાહનું પણ નિધન થયું છે. લીલાવતીબેનના પરિવારથી તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવારે હોસ્પિટલપર આક્રોશ કરતા જણાવ્યું કે, ‘અમને રોષ એ વાતનો છે કે, ઘટનાને 7 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી અમને જાણ નથી કરાઈ. અમને બહારથી આગ લાગ્યાની જાણ થઈ ત્યારે માલૂમ પડ્યું.’

લીલાવતીબેનના જમાઈ જિગ્નેશ શેઠે જણાવ્યું કે, મારા સાસુ લીલાવતીબેન અને સસરા ચંદ્રકાંતભાઈ શાહ બંનેને કોરોના થયો હતો. સસરા ચંદ્રકાંતભાઈને 2 ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ સાસુને પણ ચેપ લાગતા તેઓને અહી લાવ્યા હતા. પહેલા તેઓને ચાંદખેડા લઈ જવાયા હતા, પણ તે વિસ્તાર દૂર પડતો હોવાથી અમે અહી તેમને લાવ્યા હતા. પરંતુ અહી તેઓને મોત મળશે તેવુ અમે સપનામાં ય વિચાર્યું ન હતું. પાંચ દિવસથી મારા સાસુ આ હોસ્પિટલમાં દાખલ હતા. રાત્રે 12 વાગ્યે અમે વીડિયો કોલ દ્વારા તેમની સાથે વાત કરી હતી. ત્યારે સવારે આવુ થયું. પણ હોસ્પિટલ કે તંત્ર દ્વારા અમને કોઈ સૂચના હજી સુધી અપાઈ નથી.

તેઓએ કહ્યું કે, અમને આગ અને તેમના મોતની જાણ ન કરાઈ તેનું દુખ છે. આગ રાત્રે 3.30 કલાકે લાગી હતી. અને સવારે 7.30 કલાકે મારી દુકાનનો એક કર્મચારી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે હોસ્પિટલમાં આગ જોઈ હતી. ત્યારે તેણે મને જાણ કરી હતી. એટલે અમે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પણ દુખ એ વાતનું છે કે, બપોરે 12 વાગવા છતાં અમને કોઈ માહિતી અપાતી નથી. સિવિલ હોસ્પિટલમાં પણ યોગ્ય રીતે જવાબ મળી નથી રહ્યો. 

ઉલ્લેખનીય છે કે, શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલામાં નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગ પાછળ કારણ જાણવા એફએસએલની પણ મદદ લેવાઈ છે. એફએસએલની ટીમ દ્વારા ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવાયા છે. આ તમામ સેમ્પલને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.

(5:17 pm IST)