Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદમાં આગની દુર્ઘટના બાદ સરકારી-ખાનગી સહિત 84 કોવિડ હોસ્‍પિટલોમાં ફાયરની સુવિધા અંગે તપાસનો ધમધમાટઃ વડોદરાની ગોત્રી-સયાજી હોસ્‍પિટલને નોટીસ ફટકારશે

વડોદરા: અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. જેમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા હોમાયા છે. ત્યારે શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા મામલા બાદ વડોદરા પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. મ્યુનિ કમિશનર નલિન ઉપાધ્યાયે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વડોદરાની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયરની સુવિધા કેવી છે તે અંગે તેઓએ તપાસના આદેશ આપ્યા છે. સરકારી ખાનગી મળી કુલ 84 કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાશ. ફાયર બ્રિગેડના અધિકારીઓ હોસ્પિટલમાં જઈને તપાસ હાથ ધરશે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહિ તેની પણ તપાસ કરશે.

તો બીજી તરફ, અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યાનો બનાવ બન્યા બાદ ગુજરાતનુ ફાયર વિભાગ પણ દોડતું થયું છે. વડોદરામાં ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. વડોદરામાં ફાયર ચીફ ઓફિસરે આજે તમામ હોસ્પિટલમાં તપાસ શરૂ કરાવી છે. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે હોસ્પિટલમાં સેફ્ટી અંગે મોટી માહિતી આપતા જણાવ્યું કે, ગોત્રી કોવિડ હોસ્પિટલે ફાયર એનઓસી રિન્યુ કરાવી નથી. તેમજ સયાજી હોસ્પિટલની નવી બિલ્ડિંગની ફાયરની એનઓસી પણ નથી. તેથી ગોત્રી અને સયાજી હોસ્પિટલને નોટિસ અપાશે. વડોદરાની જે પણ ખાનગી હોસ્પિટલ પાસે એનઓસી નહિ હોય તેઓને પણ નોટિસ અપાશે.

સયાજી કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. હોસ્પિટલના પાંચમાં અને છઠ્ઠા માળે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફાયર અધિકારી અને હોસ્પિટલના અધિકારીએ સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગમાં ફાયરની તમામ સુવિધાઓ યોગ્ય હોવાનું સામે આવ્યું હતું. તેમજ ફાયર એક્સટીગ્યુસર બોટલ પણ નવા હોવાનું જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો અને રાજ્યની બીજી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાશે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધરાશે. તેમજ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપી દેવાઈ છે.

(5:11 pm IST)