Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગુજરાતમાં આજથી બે દિ' વરસાદમાં ઘટાડોઃ અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસી જાય

બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાનું હળવુ દબાણ ગુજરાત ઉપરથી પસાર થઇ ગયું: હવે ૭મીએ નવી સિસ્ટમ્સ બનશે જેની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ : સમગ્ર મધ્ય ભારતના રાજયોમાં વરસાદની માત્રામાં ઘટાડો આવશેઃ સ્કાયમેટ

સૌરાષ્ટ્ર - ગુજરાત આસપાસ જબ્બર વાદળો ગંજ : રાજકોટઃ છેલ્લા બે- ત્રણ દિવસમાં અમુક જગ્યાએ અનરાધાર વરસાદ પડી ગયો. બંગાળની ખાડીની સિસ્ટમ્સ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે. હવે કોઈ- કોઈ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી જાય. ૭મીએ ફરી એક સિસ્ટમ્સ બની રહી છે. જે સૌરાષ્ટ્ર- ગુજરાતમાં વરસાદ લાવશે.

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાનું હળવુ દબાણ ગુજરાત ઉપરથી પસાર થઇ ગયું છે. જેથી હવે સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત મધ્ય ભારતમાં હવે ભારે નહિ પણ છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. ૭મી ઓગષ્ટની સાંજે બંગાળની ખાડીમાં વધુ એક સીસ્ટમ્સ બનશે. આ સિસ્ટમ્સની  અસરથી ગુજરાત ભરમાં ફરી વરસાદનો સારો એવો રાઉન્ડ આવી શકે છે તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

બગાળની ખાડીમાં સર્જાયેલ હવાનું હળવુ દબાણ ગુજરાતમાંથી પસાર થઇ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. ચોમાસાની હલચલમાં ગુજરાત, મુંબઇ સહિત પશ્ચિમી દરિયાકિનારા સાથે મધ્ય ભારતમાં ઘટાડો આજથી જોવા મળશે.

પશ્ચિમ એમ.પી., દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ગુજરાતના અમુક ભાગો અને પશ્ચિમી દરિયાઇ કિનારાના કોંકણ, ગોવાથી મધ્ય મહારાષ્ટ્રમાં આગામી બેે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશેે.

મુંબઇ સહિત પાલઘર, રત્નાગીરી, રાયગઢ સુધી એકથી બે ઇંચ વરસી શકે છે. પરંતુ હવે ભારે વરસાદની શકયતા નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં મુંબઇમાં ૬૦૦ મી.મી. (૨૪ ઇંચ) વરસાદ ખાબકી ગયો હતો.

દેશના અન્ય ભાગો જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી ૨૪ થી ૪૮ કલાક હળવો વરસાદ પડશે. પંજાબ, હરીયાણા, રાજસ્થાનના પશ્ચિમના ભાગોમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે.

બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ્સ બનશે જે ૭મી ઓગષ્ટની સાંજ સુધીમાં દરિયાકિનારે પહોંચી જશે. જે ૮મીથી ફરી દેશના ઓડીસ્સાથી ગુજરાત સુધી વરસાદ લાવશે. આમ ૮મીથી આ સિસ્ટમ્સ આગળ વધશે. તેમ મધ્ય ભારતમાં ફરી વરસાદનો રાઉન્ડ આવશે.

(1:00 pm IST)