Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સરકારની રેવન્યૂમાં ૨૨૫ કરોડનો ઘટાડો જોવા મળ્યો

લોકડાઉન બાદ છૂટછાટો આપી હોવા છતાં નરમાઈ : કોરોનાના કારણે કરાયેલા લોકડાઉન બાદ અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા ઉદ્યોગમાં છૂટછાટો આપવામાં આવી

ગાંધીનગર, તા.૬ : જૂનની સરખામણીમાં જુલાઈમાં આર્થિક ગતિવિધિઓ વધારવામાં આવી તેમ છતાં રાજ્ય સરકારની રેવન્યૂમાં ૨૨૫ કરોડનો ઘટાડો જોવા મળ્યો. જૂનની સરખામણીએ સરકારની રેવન્યૂ જુલાઈમાં ઘટી. પેટ્રોલ અને ડીઝલ પરના વીએટી દ્વારા થતી આવકમાં નોંધપાત્ર વધારો થયો ત્યારે જીએસટી રેવન્યૂમાં જૂનની તુલનાએ જુલાઈમાં આશ્ચર્યકારક ઘટાડો જોવા મળ્યો. આ જ પ્રકારે મોટર વ્હીકલ ટેક્સ અને પ્રોપર્ટી પરની સ્ટેમ્પ ડ્યૂટી દ્વારા મળતી રેવન્યૂ જુલાઈમાં વધી પરંતુ ઈલેક્ટ્રિક ડ્યૂટીના કલેક્શનમાં ઘટાડો નોંધાયો. માર્ચ ૨૦૧૯થી જુલાઈ ૨૦૧૯ વચ્ચે રાજ્ય સરકારની રેવન્યૂ ૩૦,૭૯૯ કરોડ રૂપિયા હતી. ૨૦૨૦ના આ જ સમયગાળામાં રૂપિયા ૯,૮૩૦ કરોડના ઘટાડા સાથે રેવન્યૂ ૨૦,૯૬૯ કરોડ રૂપિયા નોંધાઈ.

રાજ્ય સરકારમાં રહેલા અધિકારીઓના કહેવા મુજબ, જૂનમાં બાકીના દેવા ચૂકતે કરી દીધા હોવાના કારણે જુલાઈ ૨૦૨૦ની એસજીએસટી રેવન્યૂ ઘટી હોય તેવું બની શકે છે. બાકી જુલાઈમાં રેવન્યૂ સામાન્ય હતી. આ જ રીતે ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં માગ નહીં હોવાના કારણે ઘટડો થયો હોઈ શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, *લોકડાઉન અને કોવિડની લાંબાગાળાની અસરના કારણે સરકારની રેવન્યૂમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષના અંત સુધીમાં રેવન્યૂમાં લગભગ ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થશે તેવો અંદાજ છે. એસજીએસટીની માસિક આવક પણ વિવિધ કારણોસર ઘટી શકે છે. જો કેંદ્ર સરકાર સીજીએસટીનો પોતાનો અમુક હિસ્સો જતો કરે તો રાજ્યની આર્થિક સ્થિતિ સ્થાપિત થઈ શકે છે.

(8:22 pm IST)