Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રામ મંદિર નિર્માણથી વિશ્વગુરૂ બનવાની દોડને મળશે વેગ : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર સીએમ ડેશ બોર્ડ પરથી અયોધ્યાનો સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો : રામાયણ વિષય પર વિશેષ ટપાલ ટીકી બહાર પડાઇ

અમદાવાદ તા. ૬ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી ભારત વિશ્વ ગુરૂ બનવાની દિશામાં આગળ વધી રહ્યાની ખુશી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલના શિલાન્યાસના અવસરને લઇને વ્યકત કરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શ્રીરામ જન્મ ભુમિ પર રામ મંદિરના ભુમિપૂજનથી લઇને ભવ્ય રામ મંદિર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન સાકાર થઇ રહ્યાનું તેઓએ જણાવેલ છે.

વિજયભાઇએ ગાંધીનગર સ્થિત પોતાના આવાસ પર સીએમ ડેશ બોર્ડ મારફત આ શુભ અવસરને નિહાળ્યો હતો. તેમણે જણાવેલ કે દેશની એકતા અખંડીતતા અને સ્વાભિમાન સંસ્કૃતિ તથા પરંપરાની રક્ષા માટે આ રામ મંદિર આવનારા દિવસોમાં એક અહમ કારણ બની રહેશે. આ અવસર ૨૧ મી સદીના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોએ લખાશે. આનાથી ભારતની વિશ્વ ગુરૂ બનવાની દિશામાં ગતિ આવશે.

શ્રી રૂપાણીના જણાવ્યા મુજબ પાંચ સદી પછી રામભકતો માટે રામલલ્લાને તેમના જન્મ સ્થાન પર ભવ્યતાથી પુનઃસ્થાપિત કરવાનો રૂડો અવસર આવ્યો. પાંચ વર્ષની તપસ્યાની આ સિધ્ધી છે. તેમણે જણાવ્યુ કે દેશમાં દીવાળી જેવો માહોલ જોઇ. કરોડો હિન્દુઓના દીલોમાં બીરાજમાન ભગવાન રામના જન્મ સ્થળે અનેક વિવાદો પછી સુપ્રિમ કોર્ટ તરફથી ફેસલો અપાયા પછી આ રસ્તો સરળ બનયો.ગુજરાતી હોવાનું ગૌરવ લેવા માટે કહી શકીએ કે આ રામમંદિર નિર્માણમાં ગુજરાતના અનેક કારસેવકો અને લોકોનું યોગદાન રહ્યુ છે. જે મોટી ભુમિકા માની શકાય.

અહી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રામ મંદિર ભૂમિ પૂજનના પ્રસંગે ગાંધીનગરમાં રામાયણ વિષય પર વિશેષ ટપાલ ટીકીટ પર કૈંસલેશન આલ્બમ બહાર પાડેલ. જે રંગીન આલ્બમ ગુજરાની તમામ વડી પોષ્ટ ઓફીસ, જીપીઓ, અમદાવાદ, મુખ્ય કાર્યાલય વડોદરા અને રાજકોટ સ્થિત ફીલાટેલીક બ્યુરો તરફથી પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પોષ્ટ માસ્તર જનરલ શ્રી અશોક પોદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે ૧૬ ઓગષ્ટ ૧૯૮૯ ના રક્ષાબંધનના પર્વે રામ મંદિર માટે પહેલી ઇંટ (શિલા) નું પૂજન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પૂ. પ્રમુખ સ્વામીએ કર્યુ હતુ. ત્યાર પછી દેશભરમાં હજારો લાખો ઇંટ (શિલા)ના પૂજનનો શીલશીલો રહ્યો હતો. આ વાતને પણ યાદ કરવામાં આવી હતી.

(3:04 pm IST)