Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ડિઝાસ્ટર મેનેજમેન્ટની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ

એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રીનું સૂચન : સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્લાન તૈયાર થશે : અલગ અલગ ૧૦૩ તાલીમ કાર્યક્રમો વર્ષમાં થશે

અમદાવાદ,તા.૫ : મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટીટયૂટ  ઓફ ડિઝાસ્ટર મેનેજરમેન્ટની ગર્વનિંગ કાઉન્સીલની મળેલી બેઠકમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના વરસાદી પાણી આવી જવાને કારણે સર્જાયેલી આફતના ઉપાય રૂપે લાંબાગાળાના પગલાંઓની વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આવી વરસાદી આફતને કારણે વડોદરા શહેરમાં ભવિષ્યમાં પાણી ભરાવાની વિપદા ન સર્જાય તે માટેનો લોંગટર્મ એકશન પ્લાન શહેરી વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગો સાથે મળીને આ આપદા પ્રબંધન સંસ્થાન તૈયાર કરે તેવું સૂચન કર્યુ હતું.

               ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા તેમજ જી.આઇ.ડી.એમ.ના ડાયરેકટર જનરલ પી. કે. તનેજા, સી.ઇ.ઓ અનુરાધા મલ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરી, માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ દ્વારા આપદા પ્રબંધન સાથોસાથ હવેના સમયની માંગ અનુરૂપ નાગપૂર ફાયર કોલેજ જેવા ફાયર ટ્રેનિંગ, રિસ્ક મેનેજમેન્ટના કોર્સીસ શરૂ થાય અને યુવાશકિતને તાલીમ અપાય તેવી હિમાયત પણ કરી હતી. ગાંધીનગર નજીક આકાર પામેલી ગિફટ સિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ બનાવે છે તેની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ જી.આઇ.ડી.એમ. તૈયાર કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

             અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટની સ્થાપના  રાજ્ય સરકારે કચ્છમાં ર૦૦૧માં થયેલા ભયાવહ ભૂકંપની તારાજી પછી આવી ત્રાસદીઓ સામે પ્રબંધનના હેતુસર ર૦૦૩માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પસાર કરીને ર૦૧ર થી અલાયદી ઇન્સ્ટીટયૂટ તરીકે કરેલી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આ ગર્વનિંગ કાઉન્સીલની બેઠકમાં જી.આઇ.ડી.એમ દ્વારા ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ તથા પ્રિવેન્શન ઓફ ડિઝાસ્ટર્સ માટે કેપેસિટી બિલ્ડીંગના જે કાર્યો હાથ ધરાઇ રહ્યા છે તેની વિશદ ભૂમિકા આપવામાં આવી હતી. આ વર્ષે આ સંસ્થા દ્વારા ૧૦૩ જેટલા ટેકનોલોજી ડ્રિવન વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે તેની પણ વિગતો ચર્ચવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જારી કરેલા ડિઝાસ્ટર રિસ્ક રિડકશન માટેના પ્રધાનમંત્રીના ૧૦ મૂદ્દાઓના એજન્ડાનો પણ અસરકારક અમલ ગુજરાતની આ સંસ્થામાં થઇ રહ્યો છે તે અંગેની વિગતો બેઠકમાં પૂરી પાડવામાં આવી હતી.

(9:04 pm IST)