Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના ચાર દિનમાં ૧૬૨ કેસો થયા

૪ દિવસમાં કમળાના ૮૭ કેસથી સનસનાટીઃકોલેરાના ચાર દિવસમાં પાંચ કેસ : સરસપુર, થલતેજ, અમરાઈવાડી, વટવા, ઇન્દ્રપુરીમાં કોલેરાના કેસો નોંધાયા

અમદાવાદ, તા.૬: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં દવાના છંટકાવની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વરસાદી માહોલ હોવાના કારણે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો અવિરતપણે સપાટી પર આવી રહ્યા છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૧૬૨, કમળાના ૮૭, ટાઈફોઈડના ૧૦૪ અને કોલેરાના ૦૫ કેસ સપાટી પર આવ્યા છે. આવી જ રીતે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં ૪ દિવસના ગાળામાં સાદા મેલેરીયાના ૨૩૫, ઝેરી મેલેરીયાના ૩૭ કેસ નોંધાયા છે.  જેના પરિણામ સ્વરુપે તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. ઓગસ્ટ-૨૦૧૭ દરમિયાન લોહીના લેવામાં આવેલા ૧૫૨૯૮૦ નમૂનાની સામે ચોથી ઓગસ્ટ

૨૦૧૮ સુધીમાં ૧૬૩૯૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ઓગસ્ટ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૬૪૨ સિરમ સેમ્પલ સામે ચોથી ઓગસ્ટ ૨૦૧૮માં હજુ સુધી ૯૬ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓગસ્ટ ૨૦૧૮માં સરસપુર, થલતેજ, અમરાઈવાડી, વટવા, ઇન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના પાંચ કેસ સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થવિભાગ દ્વારા રોગચાળાના અટકાયતી પગલા રુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૩૮૮૪ રેસિડેન્ટલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૧૪૬૭૫૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે તથા હાઈરિસ્ક વિસ્તારો અને કેસ નોંધાયેલા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૪૭૦ પાણીના સેમ્પલ બેક્ટોરિયલ લોજીકલ ટેસ્ટ માટે લવામાં આવ્યા છે. મોબાઇલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવારની કામગીરી પણ ચાલી રહી છે. ફુટ સેફ્ટી દ્વારા ચાલુ માસમાં ૩૯ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે.

(10:16 pm IST)