Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમદાવાદ આર.આર.સેલે 69 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે કંથારીયા નજીકથી ટ્રકને અટકાવ્યો

અમદાવાદ: રેન્જના આરઆર સેલે આજે કંથારીયા પેટ્રોલપંપ નજીકથી એક ટ્રકની રેતીમાં છુપાવીને તેમજ કારનું પાયલોટીંગ કરીને લઈ જવાતો ૬૭૬૦૦ની કિંમતના વિદેશી દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તહેવારોના દિવસોમાં વિદેશી દારૂની બદી ફુલેફાલે નહીં તે માટે આરઆર સેલ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે આરઆર સેલની ટીમ આણંદ જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક હકિકત મળી હતી કે, વાસદ-આસોદર રોડ ઉપરથી એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવનાર છે. જેથી ટીમના સભ્યો કંથારીયા પેટ્રોલપંપ નજીક વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક પાયલોટીંગ કરતી કાર નંબર જીજે-૦૬, જેજે-૪૬૦૦ તથા તેની પાછળ એક ટ્રક નંબર જીજે-૧૯, ટી-૨૪૫૦ની આવી ચઢતાં પોલીસે બન્ને વાહનોને આંતરીને ઉભા કરાવી દીધા હતા અને તલાશી લેતાં ટ્રકની અંદર ભરેલી રેતીમાંથી વિદેશી દારૂ તથા બીયરના ટીન મળીને કુલ ૬૧૭ બોટલો મળી આવી હતી જેની કિંમત ૬૭૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. 
પોલીસે બોરસદ તાલુકાના દેદરડા ગામે રહેતા જશભાઈ રાયસીંગભાઈ ચાવડા, વિનુભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ પુનમભાઈ સોલંકી, હર્ષદકુમાર જશભાઈ ચાવડા તથા ભાનુભાઈ ચીમનભાઈ ચાવડાને ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૧૬૫૦, ત્રણ મોબાઈલ ફોન, ટ્રક, વિદેશી દારૂ-બીયરનો જથ્થો વગેરે મળીને કુલ ૭,૨૦,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:50 pm IST)