Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગુજરાત સરકારની અભિનવ પહેલ: રાજ્યની મહિલાઓને આપાતકાલમાં ઝડપી-સચોટ ત્વરીત મદદ માટે ‘૧૮૧ અભયમ’ મોબાઇલ એપનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોન્‍ચીંગ

ગૂગલ પ્લેસ્ટોર – એપલ એપસ્ટોર IOS પરથી એપ ડાઉનલોડ કરી શકાશે : મદદ માટે કોલ કરનાર મહિલાનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇન સેન્ટરને લેટ લોંગ સાથે મળી જશે: ઘટના સ્થળના ફોટો વીડીયો પણ એપ્લીકેશન દ્વારા અપલોડ કરી પૂરાવા તરીકે ઉપયોગ થઇ શકશે

ગાંધીનગર : મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ ૧૮૧ અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે.

        રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ  એપ્લિકેશન સહાયક બનશે.

        આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ.ઓ.એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

        રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે ઇ એમ આર આઇ ના સહયોગથી વિકસાવવામાં આવી છે.

        ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબહેન દવે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ લોન્ચિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાઓનો વ્યાપ વિસ્તારીને જરૂરતમંદ બહેનોને તાત્કાલિક મદદ સેવા મળે તેની તાકીદ કરી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરેલી આ મોબાઇલ એપમાં સ્માવિષ્ટ New Features for Value added services આ મુજબ છે:-

  • ૧૮૧ એપ વેબસાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર IOS પર ઉપલબ્ધ રહેશે.
  • સ્માર્ટ ફોનમાં પેનીક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે.
  • મોબાઇલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.
  • મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશામાં લેટ લોંગ (“Lat-Longs”) સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સીલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરીયાત મુજબ રેસ્કયુકાર્ય થશે.
  • આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસકયુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લીકેશન થકી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમના સગા વ્હાલાને ત્વરીત મોકલી શકાશે જેથી મહીલાને શોધવાના સમયનો બચાવ થશે.
  • મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.
  • મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો પેનીક બટન દબાવતા ઘટના સ્થળની એપ્લીકેશનના માધ્યમથી માહિતી હેલ્પલાઇનને પહોચી જશે.
  • એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે મુશ્કેલી સ્થિતીમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક S.M.S થી સંદેશ મળી જશે.
  • એપ્લીકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે જેમાં તેનું (૧) કોલનું સ્થળ (ર) S.D.R ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોધાયેલ એડ્રસ (૩) એપ્લીકેશન રજીસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રસ.
  • આ બધી જ માહિતી મુશ્કેલ પરિસ્થિતીમાં મહિલાને ત્વરિત રેસકયૂ કરવામાં હેલ્પલાઇન સેન્ટરને ઉપયોગી પુરવાર થશે.

ગુજરાતની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટેકનોલોજીના ઉપયોગ સાથેની વિશેષતાઓ:-

ગુજરાત રાજ્યમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે.

  • તેના અભ્યાસ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સરાહના કરવામાં આવી છે.
  • આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે.
  • CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે. 
  • Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે. 
  • ગુગલના નકશાના ઉપયોગથી બનાવના સ્થળ અને નિકટની સવલતોનો ઝડપી સંચાર મળી રહે છે
  • LAN/WAN લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ શકય બને છે. 
  • GPS ટેકનોલોજીથી સજ્જ રેસકયુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવર જવરનું સમયબધ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઇ શકે છે. 
  • એન્ડોઇડ બેઝ‘‘૧૮૧ અભયમ એપ્લિકેશન’’ના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે.
  • આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
  • રાજ્યમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે.
  • રાજ્ય સરકારની મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા છે. 
  • ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
  • મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે. 
  • પ્રત્યેક કોલનું માળખાગત બેક ઓફિસ દ્વારા ફોલોઅપ અને સંતોષકારક સમસ્યાનું નિવારણ થાય છે. 
  • બહુહેતુક યોજના જેમાં મહિલાને કેન્દ્રમાં રાખી તમામ પ્રકારની સંકલિત મદદ મળી રહે છે.

        અત્રે એ ઉલ્લેખનીય છે કે મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ‘‘૧૮૧ હેલ્પલાઇન’’ની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય મહિલા આયોગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ‘‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’’ ૪ ફેબ્રુઆરી, ર૦૧૪ના રોજથી આ સેવા તાલિમબધ્ધ મહિલા કાઉન્સેલર સાથે ૪પ રેસ્કયુ વાન સહિત 24x7 સમગ્ર રાજ્યમાં કાર્યરત છે.

        ૪,૦પ,૬૦ર કરતાં વધારે મહિલાઓએ વિકટ પરિસ્થિતમાં સલાહ, બચાવ માર્ગદર્શન માટે ૧૮૧ હેલ્પ લાઇનની મદદ લીધી છે તેમજ તાકિદની પરિસ્થિતીમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસકયુવાન સાથે કાઉન્સિલર જઇને ૮ર,૩પ૩ જેટલી મહિલાને મદદ પુરી પાડેલ છે.

        પ૦,૯રપ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ મુલાકાત અને કાઉન્સેલિંગ કરી કેસનો નિકાલ કરેલ છે.

        ૨૪,૨૦૬ જેટલી મહિલાની સમસ્યા ગંભીર મપ્રકારની ધ્યાન ઉપર આવતા તેને પોલીસ સ્ટેશન, નારીગૃહ, હોસ્પિટલ, એનજીઓ, પ્રોટેકશન ઓફિસર, મફત કાનૂની સલાહ કેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ સુધી રૂબરૂ રેસકયુવાન દ્વારા પહોચાડી લાંબાગાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ રૂપ બનેલ છે.

        રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુકત અને ત્વરિત પહોંચાડવા માટે ડીજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

        ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાનો લાભ મહિલાને મુશ્કેલ સ્થિતીમાં સત્વરે અને અદ્યતન ટેકનોલોજી મારફતે મળી રહે તે માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવાની અદ્યતન ‘‘મોબાઇલ એપ્લીકેશન’’ અનેકવિધ ફાયદા સાથે તૈયાર કરવામાં આવી છે.

 

 

(3:29 pm IST)