Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઘર આંગણે જ બે બાળાઓને સાપે ડંખ મારતા મોત : બે સગી બહેનોનાં મોતથી પરિવાર શોકમાં ગરકાવ

ચોમાસાની ઋતુમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો : લાડકવાયી દીકરીઓનું અકાળે મોત થતા પરિવારજનો પર આભ ફાટ્યું

ખેડા તા. 06 : ખેડા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ખેડાના અમૃતપુરા ગામમાં પોતાના ઘર આંગણે સુઈ ગયેલી બે બાળકીને સાપે ડંખ મારતા બે સગી બહેનોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યા હતું. ત્યારે બે બહેનોનું મોત નિપજતા પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા ખેડા જિલ્લામાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામે સર્પ કરડવાના કારણે બે માસૂમ બહેનોના મોત નિપજ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર અમૃતપુરા ગામે છ વર્ષની રવ્યા અને દસ વર્ષની સાવિત્રી બંને બહેનો પોતાના ઘર આંગણે સુઈ રહેલી હતી. આ દરમિયાન નિંદ્રા અવસ્થામાં રહેલ બંન્ને દીકરીઓને સાપે ડંખ મારતા તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

માસુમ દીકરીઓના અકાળે અવસાન થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. દીકરી એટલે વ્હાલનો દરીયો પણ જ્યારે દીકરીઓની અણધારી વિદાય થાય ત્યારે ભલભલા ભાંગી જાય છે. ત્યારે આ બનાવને પગલે પરિવાર શોકમાં ડૂબ્યો છે. જ્યારે આ ઘટનાને લઈ ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાના સમયમાં આવા અનેક અનિચ્છનીય બનાવો સામે આવતા હોય છે. જેમાં સાપ જેવા ઝેરી જનાવરના દંશને કારણે લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. જેથી કરીને ચોમાસાની ઋતુમાં લોકો વધુ સાવચેત રહેવાની જરૂર છે.

(8:20 pm IST)