Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વડોદરામાં બિલ્‍ડરની 23 વર્ષીય પુત્રીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરી અંગત પળોનો વીડિયો ઉતારી બ્‍લેકમેઇલ કરતો

યુવતિના પિતાએ દિલ્‍હી પીએમઓ ઓફિસમાં ફરિયાદ કરતા તરત જ તપાસના આદેશ છુટતા છાણી પોલીસ મથકના કોન્‍સ્‍ટેબલ સંજયકુમાર અને નોયલ સોલંકી સસ્‍પેન્‍ડ

વડોદરાઃ વડોદરાના છાણી કેનાલ પાસેની સોસાયટીમાં રહેતા આરોપી સેલ્‍વિન પાઉલ પરમાર આજ વિસ્‍તારના કરોડપતિ બિલ્‍ડરની 23 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી અશ્‍લિલ વીડિયો બનાવી મારકુટ કરી શારીરિક ત્રાસ આપી બ્‍લેકમેઇલ કરતા યુવતિના પિતાએ દિલ્‍હી પીએમઓ ઓફિસમાં ફરિયાદ કરતા બીજા જ દિવસે તપાસના આદેશ થતા છાણી પોલીસ મથકમાં ફરજ બજાવતા બે કોન્‍સ્‍ટેબલને સસ્‍પેન્‍ડ કર્યા છે. પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં બિલ્ડરની દીકરીને વિધર્મી યુવાને પ્રેમ જાળમાં ફસાવવાનો મામલે તેમણે દિલ્હી સુધી મદદ માંગી હતી. બિલ્ડર પિતાએ પીએમઓમાં અરજી કરતા જ ત્યાંથી તરત તપાસના આદેશ છૂટ્યા હતા. આમ, વધુ એકવાર વડાપ્રધાનનની માનવતા સામે આવી હતી.

વડોદરામાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં સેલવિન પાઉલ પરમારે 250 કરોડની સંપત્તિનો માલિક હોવાનું જણાવી યુવતીને ફસાવી હતી. વિધર્મી યુવાને યુવતીની સાથે કોર્ટ મેરેજ કરી શરીર પર બ્લેડથી 500 થી વધુ કાપા મારવા મજબૂર કરી હતી. ગયા વર્ષે મામલો બહાર આવતા પરિવારે શી ટીમની મદદ લીધી હતી. શી ટીમ સાથે આવેલા નોયલ વિનોદ સોલંકી નામના કોન્સ્ટેબલે યુવતીના પિતા પાસેથી 5 હજાર રૂપિયા પડાવ્યા હતા. છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયકુમાર પણ રૂપિયા લેવા સાથે ગયો હતો. ત્યારે આ અંગે યુવતીના પિતાએ પીએમઓમાં અરજી કરી હતી. જેથી પીએમઓમાંથી તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા. યુવતીના પિતાએ ગત વર્ષે 2021 માં 4 સપ્ટેમ્બરના રોજ પીએમઓમાં ફરિયાદ કરી હતી. તેના બીજા જ દિવસે ફરિયાદનો જવાબ આપ્યો હતો અને કાર્યવાહી કરવા પીએમઓમાંથી આદેશ અપાયા હતા. PMO માથી આદેશ બાદ વડોદરા પોલીસે 22 જૂનના રોજ નોયલ સોલંકી અને છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયકુમારને સસ્પેન્ડ કર્યા હતા. PMO માં યુવતીના પિતાએ ફરિયાદ કરી હતી કે, આ મામલે યોગ્ય તપાસ થઈ નથી.

બન્યુ એમ હતું કે, વડોદરાના છાણી કેનાલ પાસેની એક સોસાયટીમાં રહેતો સેલ્વિન પાઉલ પરમાર ધોરણ 10 પાસ ભણેલોહ તો. તેણે પોતાના વિસ્તારના એક બિલ્ડરની 23 વર્ષની યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. તેમનુ પ્રેમ પ્રકરણ બે વર્ષ રહ્યુ હતું. જેમાં તેણે યુવતીની અંગત પળોની તસવીરો અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ બાદ તેણે યુવતીને ભગાડીને તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ સેલ્વિનનો યુવતી પર ત્રાસ શરૂ થયો હતો.

તેણે યુવતીને વીડિયો અને ફોટો બતાવીને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યુ હતું. એટલુ જ નહિ, તેણે યુવતીને તેના શરીર પર બ્લેડના ઘા મારવા મજબૂર કરી હતી. પરિવારે કહ્યુ કે, યુવક યુવતીને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહેતો હતો. પછી તેના ફોટા સોશિયલ મીડિયા પર મંગાવીને પિશાચી આનંદ લેતો હતો.

યુવતીને રોજ મારઝૂડ થતી હોવાની પરિવારને જાણ થતાં તેણીને ઘરે લઇ આવ્યા હતા. જે બાદ આ અંગે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પમાર અને પાઉલ પમાર સામે ગુનો નોંધી યુવક સેલ્વિન પરમારની અટકાયત કરી હતી. બિલ્ડર પિતાએ દીકરીને આ ઘટના બાદ વિદેશમાં મોકલી આપી છે. હવે યુવતી ભારત પરત નહિ ફરે.

(5:16 pm IST)