Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વડોદરા:રાત્રીના સમયે રખડતા ઢોરના ત્રાસથી સર્જાયેલ અકસ્માતમાં કિશોર સહીત બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: રાતે રોડ પર રખડતા ઢોરના કારણે બે યુવકોને ઇજા થઇ હતી. બંને યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોકે,બંને યુવકોની હાલત હાલમાં સુધારા પર છે.શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી  રખડતા ઢોરના કારણે રોજ એક થી બે વ્યક્તિઓને ઇજા થાય છે.પરંતુ,કોર્પોરેશનનું તંત્ર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે.

સયાજી હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કિશનવાડી ચાર રસ્તા પાસે વલ્લભ રેસિડેન્સીમાં રહેતો સાગર મોરલીધર કુટે ખાનગી ચેનલમાં નોકરી કરે છે.ગઇકાલે મોડીરાતે તે નોકરીથી છૂટીને  ઘરે પરત આવતો હતો.તે દરમિયાન સંગમ ચાર રસ્તા  સર્વાનંદ હોલ પાસે અચાનક ગાય આવી જતા તેની બાઇક સ્લિપ થઇ ગઇ હતી.રસ્તા પર પડેલા સાગરને માથામાં ઇજા થઇ હતી.તેણે પોતાના સંબંધીને ફોન કરીને સ્થળ  પર બોલાવ્યો હતો.ત્યારબાદ સાગરને સારવાર માટે વારસિયા રોડની ખાનગી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.અને ત્યાંથી તેણે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જ્યાં તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા.હાલમાં તેની તબિયત સારી છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ ડી માર્ટ  પાસે ભાથુજીનગરમાં રહેતો ૧૭ વર્ષનો કિશોર લારી પર કામ કરે છે.સામાન લેવા માટે તે સ્કૂટર લઇને નીકળ્યો હતો.વાઘોડિયા રોડ ગુરૃકુલ ચાર રસ્તા પાસે રસ્તામાં અચાનક ગાય આવી જતા સ્કૂટર સ્લિપ થઇ ગયું હતું.અને કિશોરને જમણા પગે ઇજા થઇ હતી.તેને સારવાર માટે તેનો ભાઇ સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.

(4:56 pm IST)