Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મોડાસા-કપડવંજ રોડ નજીક ટ્રક-કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં રસ્તા પર ડુંગળી બટેટાની રેલમછેલ જોવા મળી

કપડવંજ : મોડાસા-કપડવંજ રોડ પર મંગળવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડુંગળી અને બટાકા ભરેલી ટ્રક પલટી ખાઇ ગઇ હતી. જેને પગલે રોડ પર ડુંગળી અને બટાકાની રેલમછેલ થઇ હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો અકસ્માત સ્થળે ઉમટી પડયા હતા. બનાવમાં ઇકો કાર ચાલક સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

કપડવંજ પંથકમાં વાહન અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે મોડાસા-કપડવંજ રોડ પર વણઝારીયા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે વણઝારીયા પાટિયા પાસેથી પસાર થઇ રહેલી એક ટ્રક અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ હતી. જેમાં ઇકો કારના ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ જવાયો હતો. જ્યારે અકસ્માતમાં ડુંગળી અને બટાકાની બોરીઓ ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. વહેલી સવારે બનેલા બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારોના લોકો બનાવ સ્થળે ઉમટી પડયા હતા. ડુંગળી-બટાકા ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હોવાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થતા વાહનોની અવરજવરને અસર પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઇકો કારના ચાલક સહિત બે વ્યક્તિને અકસ્માતમાં ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

(4:54 pm IST)