Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રથયાત્રા દરમિયાન ગુમ થયેલ ૩૦ બાળકોનો તુરંત પત્તો લગાડી આપતા માતા- પિતા દ્વારા આશીર્વાદ વર્ષાવેલ

લોખંડી બંદોબસ્‍ત સાથે મોબાઈલ, ચાવી અને પર્સ શોધવા માટે ખાસ જન સહાયતા કેન્‍દ્ર આખા રૂટ પર ઊભા કરવાનો આઈડિયા ખૂબ ઉપકારક પુરવાર થયોઃ અજય ચોધરી : અમદાવાદ સીપીના માર્ગદર્શન હેઠળના જન સહાયતા કેન્‍દ્ર દ્વારા અન્‍ય માધ્‍યમ સાથે સર્કલ મેસેન્‍જર એપ દ્વારા તમામ સ્‍થળે ફોટા પહોંચી જતા, બિસ્‍કીટ, ચોકલેટ, પાણી સાથે જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવેલ જોઈન્‍ટ સીપી સાથે ‘અકિલા'ની વાતચીત

રાજકોટ, તા.૬: ગુજરાતની સૌથી મોટી અને પોલીસ બંદોબસ્‍તની દ્રષ્ટિએ દેશમાં બીજા નંબરનો બંદોબસ્‍ત ધરાવતી અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રામાં કોરોના મહામારીને કારણે ભકતો યાત્રામાં જોડાઇ શકાયા ન હોવાથી આ વખતે લાખો ભકતો જોડાવાના હોવાથી લોખંડી પોલિસ બંદોબસ્‍ત સાથે કેટલીક મહત્‍વની કાળજી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવના માર્ગદર્શન હેઠળ રથયાત્રા રૂટ પર જન સહાયતા કેન્‍દ્ર ઊભા કરવામાં આવેલ જે ખૂબ ઉપયોગી પુરવાર થવા સાથે ૩૦ બાળકો કે જે પરિવારથી જુદા પડી ગયા હતા તેમને પોલીસ દ્વારા તુરંત શોધી કાઢી પરિવારને સુપ્રત કરતા પોતાના લાડકવાયા સંતાનો હેમખેમ મલી જતા ભગવાન જગન્નાથજી સાથે પોલીસની કામગીરીની ખૂબ લાગણીવશ બન્‍ની પ્રસંશા કરી હતી તેમ અમદાવાદના જોઇન્‍ટ પોલિસ કમિશનર અજયકુમાર ચોધરી દ્વારા ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ. અજયકુમાર ચોધરી દ્વારા વિશેષમાં જણાવેલ કે, જન સહાયતા કેન્‍દ્રમાં રહેલ પોલીસ સ્‍ટાફ આવા વિખૂટા પડેલ બાળકોના ફોટા પાડી રૂટ પર મોકલી આપી તેની વિગતો જાહેર કરવામાં આવતા, જે તે પરિવાર આવી સૂચના સાંભળી તુરત જન સહાયતા કેન્‍દ્રનો સંપર્ક કરી પોતાના બાળકોનો કબ્‍જો મેળવી હર્ષના આંસુ સાથે મેળવી લેતા હતા.     

૩૦ જેટલા બાળકો પૈકી ૧૫ બાળક અને ૧૫ નાની બાળકીઓ હતી, ખાસ કેન્‍દ્રમાં અન્‍ય એપ્‍લિકેશન સાથે એક ખાસ એપ્‍લિકેશન સર્કલ એપ કે જે જાણીતા સાયન્‍ટિસ્‍ટ ડો.રાગેશ શાહ દ્વારા આવિષ્‍કાર થયો છે અને આ એપ્‍લિકેશનને લોક સેવાથી જોડવાની અદભૂત સિદ્ધિ અજય કુમાર ચોધરી અને જાણીતા વિડિયો સિંગર દીપ શિખા ચોધરીના સુપુત્રી કાવ્‍યા દ્વારા થયો છે તેવી આ સર્કલ મેસેન્‍જર એપ.નો ઉપયોગ કરેલ જે ખૂબ અસરકારક રહ્યો હતો 

 જન સહાયતા કેન્‍દ્રમાં બાળકો માટે  પાણી, ચોકલેટ, બિસ્‍કીટ રાખવા સાથે જરૂર પડ્‍યે દવા આપી શકાય તે માટે નિષ્‍ણાતોની સેવા પણ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શનમાં લેવામાં આવી હતી.  

અજયકુમાર ચોધરી દ્વારા વિશેષમાં જણાવેલ કે, ભાવિકોના મોબાઈલ, પર્સ અને ચાવી જેવી વસ્‍તુઓ પણ જન સહાયતા કેન્‍દ્ર દ્વારા મળે તે માટે પણ પોલીસ સ્‍ટાફ દ્વારા કાળજી લેવામાં આવેલ.

અત્રે એ યાદ રહે કે નૂપુર શર્માના નિવેદન બાદ કુખ્‍યાત આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા જે ધમકી આપવામાં આવેલ ત્‍યારબાદ પોલીસ દ્વારા આજ સુધી કયારે પણ ન થયેલ હોય તેવા બંદોબસ્‍ત સાથે જે રીતે લોખંડી બંદોબસ્‍ત, કોમી એકતા પ્રયાસો, વરસતા વરસાદ વચ્‍ચે ફૂટ પેટ્રોલિંગ અને જન સહાયતા કેન્‍દ્ર દ્વારા જે રીતે રથયાત્રા પાર પડી તેના કારણે રાજ્‍ય સરકાર દ્વારા વિશેષ નોંધ લેવામાં આવી છે.

(3:35 pm IST)