Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મહારાણી રુકમણી દેવીએ રાજપીપળાથી અંકલેશ્વર રેલવે લાઈન શરૂ કરવા પી.એમ મોદીને કરી રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપલા વિકાસથી વંચિત રહી જતા વેપારીઓ પણ હવે હિજરત કરવાનુ વિચારી રહ્યા છે.અંકલેશ્વરથી રાજપીપલા રેલ્વે લાઈનની સ્થાનિક નગરજનોએ રાજપીપલાના મહારાજા રઘુવીરસિંહજી અને મહારાણી રુક્મણીદેવીને રજૂઆત કરતા મહારાણીજીએ દેશના પ્રધાનમંત્રીથી લઈને રેલ્વે મંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી કેવડિયાથી રાજપીપલા લાઈન જોડી અંકલેશ્વર સુધી દોડાવવા માંગ કરી છે.જો એમ નહિ થાય તો સ્થાનિક વેપારીઓ રાજપીપળાથી હિજરત કરવાનું વિચારી રહ્યા હોવાથી રજવાડી નગરી ખતમ થઇ જશે એવી પરિસ્થિતિ એમણ પોતાની રજુઆતમાં દર્શાવી છે.હવે એ જોવું રહ્યું કે પ્રધાનમંત્રી રાજપીપળાના વિકાસ માટેની રેલ્વે લાઈન મંજુર કરાવે છે કે નહિ. 

રાજપીપલા સ્ટેટના મહારાણી રુક્મણી દેવીએ જણાવ્યું હતું કે રાજપીપલા કેવડિયા લાઈન જોડી અંકલેશ્વર લાઈન પર રેલ્વે દોડાવવાથી ટ્રાફિક ખુબ વધી જશે. પ્રજાના હિતમાં જે કાર્ય કરીયે એજ સેવા છે.વર્ષો પહેલા રાજપીપલાથી અંકલેશ્વર નેરોગેજ ટ્રેન અમે ચાલુ કરી હતી, બાદમાં જમાનો ઝડપી આવ્યો અમે દિલ્હી જઈને અનેક રજૂઆતો કરતા બ્રોડગેજની લાઈન નંખાઈ જે હાલમાં બંધ કરી દીધી છે તે બિલકુલ વ્યાજબી નથી.પણ આ ટ્રેન સ્થાનિક લોકો અને વેપારીઓની જરૂરિયાત છે.જો કેવડિયાથી પરત વડોદરા ટ્રેન જાય છે તેના કરતા કેવડિયાથી રાજપીપલાને જોડી દેવામાં આવે તો સીધો રુટ કેવડિયા અંકલેશ્વર થઈ મુંબઈ જતો રહે અને વેપારીઓ મુંબઈના મોટા માર્કેટ માંથી ખરીદી કરી શકે અને ત્યાંના લોકો રાજપીપલાના માર્કેટમાં પણ આવી શકે, પ્રવાસીઓ રાજપીપલા ઉતરી રાજવંત પેલેસ, હરસિધ્ધિ માતાજીના મંદિરે જઈ શકે પોઇચા જઈ શકે એટલે રેલ્વે લાઈન ખુબ જરૂરી છે તેવી લેખિત રજૂઆત કરી છે.
 રાજપીપલા કાપડ એસોસિયેશનના મંત્રી કૌશલ કાપડીયાએ જણાવ્યું હતું કે રાજપીપલામાં રેલવે ચાલુ કરવા માટે અને કેવડીયા સુધી લંબાવવા માટે રાજપીપલા જંક્શન બને એ માટે અમે પી.એમ.ઓ ઓફીસીયલ પેજ પર ઓનલાઇન રજૂઆત કરી છે.પણ કોઈ જવાબ મળ્યો નથી એટલે અમે અમારા પ્રજાવત્સલ રાજા રાણીને મળ્યા અને તેમને અમારી રેલવેની જરૂરિયાતની વાત કરી ત્યારે મહારાણી રુક્મણી દેવીજીએ પ્રધાનમંત્રી સહિત રેલવે મંત્રી, સાંસદોને લેખિત લખી રજૂઆત કરી હતી.

(10:04 pm IST)