Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મહેસાણા તાલુકાના સાંગણપુરમાં બે કૌટુંબિક પરિવારો વચ્ચે તકરાર સર્જાતા મામલો બિચક્યો:સામસામે હુમલામાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેસાણા: તાલુકાના સાંગણપુર ગામમાં જમીન વહેંચણીના માલે બે કૌટુંબિક પરિવારો વચ્ચે તકરાર સર્જાઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતાં ચાર જેટલા લોકોને નાનીમોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે લાંઘણજ પોલીસ મથકે સામસામે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે ૮ વ્યક્તિો સામે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

આ કેસની સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા તાલુકાના સાંગણપુર અને ભાકડીયા ગામની સીમમાં પુરીબેન ઠાકોરની માલીકીની ૧૧ વીઘા જેટલી ખેતીલાયક જમીન આવેલી છે. આ જમીનમાં ગોરધનજી ગજુજી ઠાકોર અને અજમલજી ચંદુજી ઠાકોર નામના કૌટુંબિક ભાઈઓ ખેતી કરે છે. પુરીબેનને કોઈ વારસદાર ન હોવાથી આ જમીન સાંગણપુરના તેમના કૌટુંબિક ભાઈઓમાં સરખે ભાગે વહેંચણી કરવાનું નક્કી કર્યું હતું. જેથી જમીનની વહેંચણી માટે બન્ને પરિવારો એકઠા થયા હતા. જેમાં તકરાર સર્જાતા બન્ને પરિવારો વચ્ચે હિંસક ધિંગાણું સર્જાયું હતું અને લાકડી અને ધોકા વડે એકબીજાને માર મારવામાં આવતા ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે લાંઘણજ પોલીસ મથકે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે બન્ને પક્ષના પોપટ ચંદુજી ઠાકોર, અનિલ દિવાનજી ઠાકોર, છગાજી અજમજી ઠાકોર, અજમલજી ચંદુજી ઠાકોર, પશાજી કડવાજી ઠાકોર, ગોવિંદ પશાજી ઠાકોર, ગોરધન ગજુજી ઠાકોર અને રમેશ વેલાજી ઠાકોર વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:09 pm IST)