Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુજરાતમાં શિક્ષીત બેરોજગાર યુવાનોને ભરતી મુદ્દે ગાંધીનગરમાં આંદોલનના ભણકારાઃ પોલીસના ધાડેઘાડા

ગાંધીનગર,તા.૬: રાજયમાં શિક્ષિત બેરોજગાર યુવાનોએ સરકારી નોકરીમાં ભરતી, નિમણૂંક પત્ર સહિતના મુદ્દાના પગલે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. તેના લીધે ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા સાઈટ પર સરકારી ભરતીઓ અંગે આંદોલન કરવાની ચિમકીના મેસેજ ફરતા થયા હતા. જેના લીધે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ગાંધીનગરમાં ઉમટી ના પડે તેના માટે પાટનગરને પોલીસ છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યુ છે.

સોશિયલ મીડિયા પર બે દિવસ અગાઉ શિક્ષિત બેરોજગારોએ સરકારી ભરતી ઉપરાંત નિમણૂંક પત્રને લઈને ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. તેના લીધે સરકારની ચિંતા પણ વધી ગઈ છે. આ આંદોલન મોટું સ્વરૂપ ધારણ ના કરે તેના માટે ગાંધીનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં SRPFના એક ટીમ ફાળવાઈ છે.

જણાવી દઈએ કે, રાજયમાં છેલ્લા ઘણાં સમયથી સરકારી ભરતીઓ નથી થઈ. યુવાનો ઘણાં સમયથી સરકારી ભરતીઓ માટે તૈયારી કરી રહ્યા છે, પણ સરકાર દ્વારા કોઈ ભરતી બહાર પાડવામાં આવી નથી. જેના કારણે રાજયના યુવાનોમાં રોષ ભરાયો છે. આ જ કારણે શિક્ષિત બેરોજગારોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જેથી સોશિયલ મીડિયા પર સરકારી ભરતીનો મુદ્દો ગરમાતા સરકાર ચિંતિત થઈ છે. સરકારે સાવધાની ભાગરૂપે ગાંધીનગરમાં પોલીસ કાફળો ખડ્કયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે શિક્ષકોને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો હતો. રાજય સરકારે શિક્ષકોનાં ગ્રેડ પેમાં ઘટાડો કર્યો છે. જેને લીધે શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રાજયભરનાં શિક્ષકોએ પોતાનાં હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat Whatsapp Campaign શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ ૧૯૯૪થી નોકરીમાં ૯ વર્ષ બાદ જે ૪૨૦૦ ગ્રેડ પે મળતો હતો. તે હવે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં કરેલા એક પરિપત્ર મુજબ હવેથી વર્ષ ૨૦૧૦ બાદ જે શિક્ષકો ભરતી થયા હોય તેમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૨૮૦૦ ગ્રેડ પે જ મળશે. જેથી ગુજરાત સરકારે ગ્રેડ પેમાં ઘટાડો કરતા રાજયભરનાં ૬૫,૦૦૦ શિક્ષકોને અસર થશે.

(1:02 pm IST)