Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

૮ પેટાચૂંટણીઃ ભાજપની એકેય બેઠક નહિ છતા પ્રતિષ્ઠા દાવ પર

આઠેય ખાલી કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાથી આલી પડી છેઃ પક્ષપલ્ટાની જનમાનસ પર અસર અંગેનો જનાદેશ મળશે : વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા, વ્યવસ્થિત સક્રીય સંગઠન, કેન્દ્ર અને રાજયમાં સત્તા વગેરે ભાજપ માટે ફાયદાકારક મુદ્દાઃ મંદી, મોંઘવારી, કોરોના, પક્ષપલ્ટુઓને પ્રોત્સાહનથી આંતરીક અસંતોષ વગેરે મુદ ભાજપ માટે પડકારરૂપ

રાજકોટ, તા. ૬ :. રાજ્યમાં કુલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકી બે બેઠકો વિવાદમાં છે અને ૮ બેઠકો કોંગી ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડી છે. આ ૮ પૈકી ૫ બેઠકોની ચૂંટણી ૧૩ સપ્ટેમ્બર પહેલા આવવા પાત્ર છે. જો કે ચૂંટણી પંચ આઠેય બેઠકોની ચૂંટણી સાથે આપે તે સ્વભાવિક છે. કોરોનાની પરિસ્થિતિ ચૂંટણી યોજવા બાબતે નિર્ણાયક બનશે. જો કોરોના કાબુમાં આવી જાય તો સપ્ટેમ્બર શરૂઆત સુધીમાં તમામ બેઠકોની પેટાચૂંટણી થઈ જવાની ધારણા સાથે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો તૈયારી કરી રહ્યા છે. તમામ ૮ બેઠકો રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડી છે. ભાજપની એકેય બેઠક ન હોવા છતા ભાજપ માટે પ્રતિષ્ઠાનો અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન બની રહ્યો છે.

ગયા માર્ચ અને જૂનમાં દક્ષિણ ગુજરાતના કપરાડા તથા ડાંગ, મધ્ય ગુજરાતના કરજણ, કચ્છના અબડાસા તથા સૌરાષ્ટ્રના ધારી, લીંબડી, ગઢડા અને મોરબીના કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપના લાભાર્થે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપેલ. કોંગ્રેસના ૮ ધારાસભ્યોના રાજીનામાથી ભાજપનું રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવાનુ સપનુ પુરૂ થયુ છે. હવે ભાજપે કરાવેલ પક્ષપલ્ટાને જનાદેશની મહોર મારવાનો પડકાર છે.

કોઈપણ ચૂંટણીમા મતદાન પહેલાના દિવસોમાં બનતુ વાતાવરણ મોટાભાગે નિર્ણાયક રહે છે. હાલની સ્થિતિએ જોતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, ભાજપનું વ્યવસ્થિત સક્રિય સંગઠન, કેન્દ્ર અને રાજ્યમાં સત્તા વગેરે ભાજપ માટે જમા પાસા છે. બીજી તરફ કોંગ્રેસના પક્ષપલ્ટુઓ માટે લાલ જાજમ પાથરી પાર્ટીના વફાદારોને અન્યાય કરવાની પદ્ધતિથી ભાજપમાં આંતરીક અસંતોષ છે. તે ઉપરાંત કોરોનામાં સરકારની કામગીરીને લગતા વિવાદ, મોંઘવારી, મંદી વગેરે મુદ્દા ભાજપને મુંઝવી શકે તેવા છે. ભૂતકાળમાં કોંગ્રેસ છોડીને ભાજપની ટીકીટ પર લડેલા કુંવરજીભાઈ બાવળિયા, જવાહર ચાવડા, પરસોતમ સાબરીયા, આશાબેન પટેલ વગેરે જીતી ગયા હતા. આ જ રીતે પક્ષપલ્ટો કરીને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડેલા ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર વગેરેને પ્રજાએ હરાવી દીધા હતા. ભાજપ વિકાસના મુદ્દે લડવા માગે છે. કોંગ્રેસ રાજીનામા આપનાર ધારાસભ્યોના પ્રજાદ્રોહ અને અન્ય વર્તમાન મુદ્દાઓને ચગાવવા માગે છે. પ્રજા કોની વાત સ્વીકારે છે ? તે તો સમય આવ્યે જ ખ્યાલ આવશે.

(11:55 am IST)