Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુજરાતમાં એક દિ'માં સરેરાશ વરસાદમાં ૪.૩ર ટકા વધારોઃ વાવેતરને ફાયદો

પ્રેમ વરસાવે છે, મજામાં લાગે છે, વરસાદ આજે નશામાં લાગે છેઃ કપાસ-મગફળી વાવણી પર કાચુ સોનુ વરસ્યુઃ રાજયનો કુલ વરસાદ રર.૦૪ ટકા

રાજકોટ, તા. ૬ :. રાજ્યમાં હવે ચોમાસાની બરાબર જમાવટ થઈ હોય તેવુ લાગે છે. ગઈકાલથી મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં પાછલા ૩૦ વર્ષના આંકડાઓ ધ્યાને લેતા સરેરાશ વરસાદના ૪.૩૨ ટકા વધારો થયો છે. એક જ દિવસમાં વરસાદની ટકાવારી આટલી વધી હોય તેવુ મોસમમાં પ્રથમ વખત બન્યુ છે. સત્તાવાર આંકડા મુજબ ગઈકાલે સવાર સુધીમાં રાજ્યનો સરેરાશ વરસાદ ૧૭.૭૨ ટકા હતો તે આજે વધીને ૨૨.૦૪ ટકા થઈ ગયો છે. એક જ દિવસમાં ૪.૩૨ ટકાનો વધારો નોંધાયો છે.

જૂનમાં વાવણી થયા બાદ ખેડૂતો વરસાદની રાહમાં હતા તે જ સમયે માંગ્યા મેહ વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસામાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર થાય છે. બન્ને પાક માટે અત્યારે કાચુ સોનુ વરસી રહ્યાનું ખેડૂત વર્તુળોનું કહેવુ છે. જોરદાર વરસાદને કારણે નદી, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જમીનમાં પાણી પુષ્કળ પ્રમાણમાં ઉતર્યુ હોવાથી કૂવાના અને બોરના તળ ઉંચા આવ્યા છે. એક જ દિવસમાં મેઘરાજાએ ઘણી રાહત કરી દીધી છે.

ગુજરાતમાં ઝોનવાઈઝ જોઈએ તો કચ્છમાં ૩૩.૪૫ ટકા થયો છે. ઉત્તર ગુજરાતમાં ૧૩.૧૨, મધ્ય ગુજરાતમાં ૧૫.૧૮, દક્ષિણ ગુજરાતમાં ૧૩.૫૬ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૪૧.૫૯ ટકા વરસાદ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારથી આકાશ ગોરંભાયેલુ છે અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે

ઝોનવાઈઝ   

વરસાદ (ટકા)

કચ્છ

૩૩.૪૫

ઉત્તર ગુજરાત

૧૩.૧૨

મધ્ય ગુજરાત

૧૫.૫૮

દક્ષિણ ગુજરાત

૧૩.૫૬

સૌરાષ્ટ્ર

૪૧.૫૯

ગુજરાતમાં કુલ

૨૨.૦૪

(11:54 am IST)