Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દેડીયાપાડાની કોરોના પોઝીટીવ મહિલા દર્દી હોસ્પિટલમા દાખલ નહિ થવા આરોગ્ય ટીમને જોઈ ભાગી છૂટી

પોલીસે જંગલ વિસ્તારમા પીછો કરીને સમજાવીને લઈ આવી તો કપડાં બદલવાનું બહાનું કરી ઘરમાંથી નળીયા ઉંચકીને ફરી ભાગી ગઈ,અંતે એક ઘરમાંથી મળી આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા આરોગ્ય વિભાગ સતત પગલાં લઈ કોરોના સંક્રમણના વધે તે દિશામાં ખાસ તકેદારી રાખી રહ્યું છે છતાં અંતરિયાળ વિસ્તારના કેટલાક અણસમજુ લોકોમાં જાગૃતિનો અભાવ હોવાથી આ બાબતને ગંભીરતાથી ન લેતા આરોગ્ય વિભાગે ક્યારેક પોલીસની પણ મદદ લઇ કોરોના સંક્રમણ ન વધે એ દિશા માં કડક કાર્યવાહી કરવી પડે છે.ત્યારે આવોજ એક કિસ્સો દેડીયાપાડા તાલુકા ના એક ગામમાં જોવા મળ્યો હતો.

  દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના છેવાડામાં આવેલા ઝાક ગામના સુકરાબેન મગનભાઈ વસાવા એ ઉમરપાડા વિસ્તાર ના ગોપલિયા પી.એસ.સી ખાતે સેમ્પલ આપેલ આ સેમ્પલ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરીક્ષણ કરવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવતા મેડિકલ ટીમ સુકરાબેનના ઘરે પહોંચતા ટીમને જોઈ આ બેન જંગલમા ભાગી ગયા હતા.દરમિયાન ડેડીયાપાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી જતા પોલીસે ખાડા ટેકરા જેવા જંગલ વિસ્તાર માં આ મહિલા દર્દી નો પીછો કરી કોર્ડન કરી તેને ઝડપી લીધા બાદ તેના ઘરે લાવી તેમને હોસ્પિટલ જવા માટે સમજાવતા તે તૈયાર તો થયા પરંતુ કપડાં બદલવાનું બહાનું કરી ઘરમાં જઈ ઘરના નળીયા ઉંચા કરી ધોધમાર વરસાદમાં પણ ઘર પાછળ થી કૂદીને આ દર્દી ભાગી ગયા બાદ પોલીસે તેમની શોધખોળ કરતા આ મહિલા દર્દી તેના ફળિયા નાજ એક ઘરમાંથી ખાટલા પાછલ સંતાયેલ મળી આવ્યા ત્યારબાદ તેમને મેડિકલ ટીમ ને સોંપતા મેડિકલ ટીમે દર્દી ને સારવાર માટે ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.આમ કોરોના સંક્રમણ ન વધે અને પોઝીટીવ દર્દી ને યોગ્ય સારવાર મળે એ માટે આરોગ્ય વિભાગ ની સાથે સાથે આવા સમયે પોલીસે પણ દર્દીના સ્વાસ્થ્ય માટે દરમિયાનગીરી કરવી પડે છે.

(11:46 am IST)