Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

૨૦૨૦માં કેન્સરના દર્દીની સંખ્યા ૧૧ લાખથી વધુ થશે

બોલિવુડ સહિત તબીબી આલમમાં ચર્ચાનો વિષયઃ દુનિયામાં મહિલાઓને કેન્સર થવામાં ભારત ત્રીજા સ્થાને, કેન્સરના કારણે મહિલાઓના મૃત્યુમાં ભારત બીજા સ્થાને

અમદાવાદ,તા.૬: પ્રસિધ્ધ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને હાઇગ્રેડ કેન્સર થયુ હોવાના ખુ તેણીએ ટવીટ્ કરી આપેલા સમાચારને પગલે તેના ચાહકો સહિત સમગ્ર બોલીવુડમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી ગઇ છે. સોનાલી બેન્દ્રેને હાઇગ્રેડ મેટાસ્ટેટિક કેન્સર નિદાન થયું છે. હજુ થોડા દિવસો પહેલા જ ઇરફાનખાનના દુર્લભ કેન્સરના સમાચારે પણ ભારે ચકચાર જગાવી હતી. આમ, બોલીવુડમાં એક પછી એક સ્ટાર કલાકારો કેન્સરનો ભોગ બની રહ્યા હોવાને પગલે આ વિષય અત્યારે હાઇપ્રોફાઇલ લોકોમાં અને ખુદ તબીબી આલમ માટે બહુ મહત્વની ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે, જે પ્રકારે ભારતમાં મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તે ચિંતાજનક અને ગંભીર મનાઇ રહ્યું છે. તાજેતરના નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામ મુજબ ,વર્ષ ૨૦૧૦માં કેન્સરનાં કેસની સંખ્યા ૯,૭૯,૭૮૬ હતી, જે વર્ષ ૨૦૨૦માં વધીને ૧૧,૪૮,૭૫૭ થવાની શક્યતા છે. દુનિયામાં મહિલાઓમાં કેન્સરની દ્રષ્ટિ ભારતનું સ્થાન અત્યારે ત્રીજું અને કેન્સરને કારણે મહિલાઓનાં મૃત્યુઆંકની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું છે. કેન્સર અને ભારતમાં તેનાં વધતાં પ્રમાણ વિશે અપોલો સીબીસીસી કેન્સર કેર હોસ્પિટલ્સ, અમદાવાદનાં પ્રિવેન્ટિવ ઓન્કોલોજીસ્ટ ડો. પરિમલ જીવરાજાણીએ જણાવ્યું હતું કે, ભારતીયોમાં કેન્સરનું જોખમ વધારતું પરિબળ જીવનશૈલી છે,નહીં કે આનુવંશિકતા. ભારતમાં કેન્સર અને તેની ગંભીર સ્થિતિ અંગે વાત કરતાં અપોલો સીબીસીસી કેન્સર કેરના મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડો. આકાશ શાહે જણાવ્યું હતું કે, આપણા દેશ પાસે કેન્સરની ઓળખ કરવા અને સારવાર માટે આવશ્યક માળખાકીય સુવિધાઓ અને ડાયગ્નોસ્ટિક સાધનો ઉપલબ્ધ છે. શરૂઆતી લક્ષણો વિશે લોકોમાં જાગૃતિના અભાવ તથા મોડેથી નિદાનને કારણે કેન્સરથી થતાં મૃત્યુંનું પ્રમાણ વધુ છે. જો કેન્સરનું સમયસર નિદાન થાય અને તેની સારવાર કરવામાં આવે, તો કેન્સરમાંથી મુક્તિ મેળવી શકાય છે. કેન્સરના પ્રકાર અને તબક્કા વિશે છણાવટ કરતાં ડો.જીવરાજાણીએ જણાવ્યું કે, શરીરમાં પોતાનાં મૂળ સ્થાનથી છૂટાં પડીને લસિકાતંત્ર મારફતે અન્ય અંગોમાં કેન્સરનાં કોષોનું સ્થળાંતરણ મેટાસ્ટેટિક કેન્સર કહેવાય છે. પછી કેન્સરનાં આ કોષો શરીરનાં અન્ય અંગોમાં ગાંઠો બનાવે છે. સામાન્ય રીતે કેન્સર પાંચ તબક્કામાં આગળ વધે છે. આ તબક્કાઓ ગાંઠની સાઇઝ અને મૂળ સ્થાનથી કેટલે દૂર સુધી પહોંચે છે એનાં આધારે નક્કી કરવામાં આવ્યાં છે. ઝીરો તબક્કામાં, કોષમાં અસાધારણ વૃદ્ધિ થાય છે, જે કેન્સરગ્રસ્ત હોવાની સંભવિતતા છે. એ પછી કેન્સરનો પ્રાથમિક તબક્કો કે જેમાં કેન્સર ઓછું અને શરીરનાં ફક્ત એક ભાગમાં હોય છે. બીજા અને ત્રીજા તબક્કામાં કેન્સર વધારે હોય છે અને નજીકની પેશીઓ અથવા લસિકા ગાંઠોમાં વધે છે. જયારે ૪થા તબક્કામાં કેન્સર શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે. આ એડવાન્સ કે મેટાસ્ટેટિક કેન્સર તરીકે જાણીતું છે. જયારે છેલ્લા તબક્કામાં હાઇગ્રેડ કેન્સર આવે છે કે જેમાં કેન્સરનાં કોષો સાધારણ કોષોથી અતિ અલગ દેખાય છે. તેને અસામાન્ય કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઈ ગ્રેડ કેન્સર ઝડપથી વધવાનું વલણ ધરાવે છે તથા સઘન અને વિવિધ પ્રકારની સારવારોની જરૂર પડે છે. આ પ્રકારનું કેન્સર અતિ ઝડપથી પ્રસરતું હોવાથી સમયસર સારવાર ઘણી અનિવાર્ય છે. કેન્સરનાં કારણે મૃત્યુદર ઘટાડવાની એક રીત વહેલાસર નિદાન અને સારવાર છે. એક વખત બાયોપ્સીમાં કેન્સર હોવાની પુષ્ટિ થઈ જાય એટલે કેન્સર મેટાસ્ટેસાઇઝ છે તથા તેના ગ્રેડની ઓળખ કરવા માટે વધુ પરિક્ષણો હાથ ધરવામાં આવે છે.

કેન્સરનાં પ્રકાર અને તબક્કાને આધારે ગાંઠ દૂર કરવા કે તેની વૃદ્ધિનાં દરને ઘટાડવા વિવિધ સારવારો હાથ ધરવામાં આવે છે. આ સારવારોમાં સર્જરી, રેડિએશન થેરપી, કીમોથેરપી,હોર્મોન થેરપી કે ઇમ્યૂનોથેરપીનું મિશ્રણ સામેલ હોઈ શકે છે. કેન્સરનું સમયસર નિદાન થાય અને તેની સારવાર કરવામાં આવે, તો કેન્સરમાંથી મુક્તિ મેળવી શકાય છે.

(10:56 pm IST)