Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમદાવાદમાં સવારથી વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી

આજે જનતા રેડની ફરીથી ચેતવણી અપાઈઃ અમદાવાદના બાપુનગર, સરદારનગર, ગોમતીપુર અને દાણીલીમડામાં દરોડા : શરાબબંધીને લઇને નવા પ્રશ્નો

અમદાવાદ,તા.૬: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વતન એવા ગુજરાતમાં શરાબબંધીને લઇને સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે. જનતારેડ કરવામાં આવ્યાના એક દિવસ બાદ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ આજે સવારથી જ દરોડાની કામગીરીમાં વ્યસ્ત રહી હતી. મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરના બાપુનગર, સરદારનગર, ગોમતીપુર, દાણીલીમડામાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કામગીરી દરમિયાન પોલીસને દારુનો જથ્થો અથવા તો દારુ બનાવવાની અન્ય ચીજો હાથ લાગી છે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. લઠ્ઠાકાંડના બનાવ બાદથી આક્રમક કાર્યવાહીનો દોર જારી રહ્યો છે. પોલીસ ઉપર પણ દબાણ વધી ગયું છે. જનતા રેડના એક દિવસ બાદ પોલીસની ટીમ સક્રિય રહી હતી. શરાબ પીધા બાદ તબિયત બગડી ગયા બાદ ત્રણ યુવાનોને સારવાર આપવામાં આવી રહી છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલે અમદાવાદમાં શરાબ વેચનાર અડ્ડા પર જનતા રેડ કરવાની ચેતવણી આપી દીધી છે જેના ભાગરુપે પોલીસ પણ હવે સક્રિય દેખાઈ રહી છે. બીજી બાજુ પોલીસે કહ્યું છે કે, અલ્પેશ, હાર્દિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવગરના છે. પુછપરછનો સિલસિલો આ સંદર્ભમાં કેટલાક લોકોનો ચાલી રહ્યો છે. કોંગ્રેસનાધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ રાજ્યમાં શરાબના ઉપયોગથી ૧૫૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. યુવા નેતાઓએ શનિવારના દિવસે શરાબના અડ્ડાઓ ઉપર દરોડાપાડવાની જાહેરાત કરી છે જેના લીધે પોલીસતંત્ર સક્રિય થઇ ગયું છે. દરોડાની કામગીરીને જનતા રેડ નામ આપવામાં આવ્યું છે.

(10:45 pm IST)