Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કોંગ્રેસી નેતા, પરિજનો સામે દહેજ ઉત્પીડન ફરિયાદ થઇ

ડોકટર પતિએ ઔડી કાર અને ૫૦ લાખ માંગ્યા : અમિત નાયક સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ : દહેજનો મામલો ખુલ્યો

અમદાવાદ,તા.૬ : શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટરે રૂ.પ૦ લાખ તેમજ ઔડી કાર દહેજ પેટે માગનાર ડોક્ટર પતિ સહિત સાસરિયાં વિરૂધ્ધ બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બાપુનગર પોલીસે ડોક્ટર પતિ, સાસુ-સસરા તેમજ જેઠ-જેઠાણી વિરુદ્ધમાં દહેજની માંગણી તેમજ માર મારવા બદલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ડો.અમિત નાયક શહેર કોંગ્રેસમાં કારોબારી સભ્ય હોવાની માહિતી પણ સામે આવી રહી છે. જેથી પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતાં ડો.મીનાક્ષીબહેન નાયકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેમના ડોક્ટર પતિ અને સાસરિયાં વિરુદ્ધમાં દહેજની માગણી તેમજ માર મારવા બદલ નોંધાવેલી ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, ગત તા.૧૬ જુલાઇ, ર૦૦રના રોજ મીનાક્ષીબહેનનાં લગ્ન ડો.અમિત નાયક સાથે થયાં હતાં. દંપતીનું બાપુનગરમાં અમી ક્લિનિક નામનું દવાખાનું આવેલું છે. અમિત નાયક અમદાવાદ શહેર કોંગ્રેસના કારોબારી સભ્ય છે. લગ્નના એક વર્ષ બાદ અમિત અને તેનાં પરિવારજનો મીનાક્ષીબહેન સાથે નાની નાની બાબતે ઝઘડો કરીને મારઝૂડ કરતાં હતાં. વર્ષ ર૦૦૪માં મીનાક્ષીબહેને એક પુત્રને જન્મ આપ્યો હતો, જેમાં તેમના પિતાએ આણામાં ૩૦ તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના, કાર, ફ્રીઝ વગેરે આપ્યાં હતાં. આ સિવાય બાપુનગરમાં ક્લિનિક ખોલવા માટે પણ મીનાક્ષીબહેનના પિતાએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. દહેજ તેમજ આણામાં આટલું બધું આપ્યું હોવા છતાંય અમિત અને તેના પરિવારને ઓછું પડતાં અવારનવાર તે મીનાક્ષીબહેનને મહેણાટોણા મારતાં હતાં. અમિત મીનાક્ષીબહેન સાથે ઝઘડો કરીને કહેતો હતો કે મારા મિત્રને તેના સસરાએ ઔડી કાર આપી છે, તારા બાપને કહે કે ઔડી કાર લાવી આપે. દહેજની માગણી કરતાં અમિત અવારનવાર મીનાક્ષીબહેન સાથે ઝઘડો કરતા હતા. અમિત ડોક્ટર હોવા છતાંય પ્રેક્ટિસ કરવાની જગ્યાએ આખો દિવસ રાજકારણમાં વ્યસ્ત રહેતા હતા. આ સિવાય મીનાક્ષીબહેન જે કમાય તેમાંથી અમિત તેના મોટા ભાઇ-ભાભી અને માતા-પિતાને રૂપિયા આપવા માટે દબાણ કરતો હતો, જો મીનાક્ષીબહેન રૂપિયા ના આપે તો તેમની સાથે મારઝૂડ કરતો હતો. મીનાક્ષીબહેને ફરિયાદમાં આરોપ કર્યો છે કે અમિત દારૂ પીને તેમની પાસે રૂપિયા માગે છે અને જો રૂપિયા ના મળે તો તેમની સાથે મારઝૂડ કરે છે. આ સિવાય તેમને કોઇ અન્ય સ્ત્રી સાથે પણ આડાસંબંધો હોઇ, જેના કારણે પણ મારઝૂડ કરે છે. છેલ્લા ઘણા સમયથી અમિતનો મોટો ભાઇ મનીષ પણ પણ તેમના દાગીના વેચી દેવાની ધમકી આપી રહ્યો છે. મીનાક્ષીબહેને ફરિયાદમાં લખાવ્યું છે કે અમિત નાણાં ધીરધારનો ધંધો કરવા માટે પ૦ લાખ રૂપિયાના દહેજની માગણી કરે છે. છેલ્લા ઘણા સમયથી અમિતનો અત્યાચાર સહન કરતાં અંતે તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અમિત, સસરા પ્રવીણ સાગર, સાસુ સુધાબહેન, જેઠ મનીષ, જેઠાણી હર્ષિદાબહેન વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ આગળ ધપાવી છે.

(8:14 pm IST)