Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કોર્પોરેશનની ૧૨ કમીટીમાં ચેરમેન-સભ્યની અંતે વરણી

વિપક્ષના હોબાળા અને નારાજગી વચ્ચે વરણી થઇ : વિપક્ષ કોંગ્રેસ તરફથી કમીટીમાં ચાર-ચાર સભ્યોના રજૂ કરાયેલા નામ શાસક પક્ષે આખરે સ્પષ્ટપણે ફગાવી દીધા

અમદાવાદ,તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મળેલા મ્યુનિસિપલ બોર્ડની મહત્વની સભામાં એએમટીએસ સહિતની જુદી જુદી ૧૨ કમીટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોના નામોની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તો, બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ તરફથી તમામ કમીટીઓમાં પોતાના ચાર-ચાર સભ્યોના મૂકાયેલા નામોની દરખાસ્તને શાસક પક્ષે ફગાવી દેતાં વિપક્ષે ભારે નારાજગી સાથે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી બાદ હવે અમ્યુકોની ૧૨ મહત્વની કમીટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ગઇકાલે ભાજપ મોવડીમંડળની બેઠકોનો દોર પણ ચાલ્યો હતો. તો, બીજીબાજુ, શાસક પક્ષના વગ ધરાવતા અને સારો હોદ્દો ઇચ્છતા લોકો દ્વારા એડીચોટીનું જોર લગાવી જોરદાર લોબીંગ પણ કર્યું હતું. જો કે, આ વખતે અમ્યુકોની ૧૨ અગત્યની કમીટીઓ અને તેની કામગીરીની બાબત લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મોવડીમંડળ દ્વારા નક્કી કરવાનું મનાઇ રહ્યું હતું અને તે મુજબ જ આજે બપોરે ૧૨ વાગ્યે મળેલી મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં એએમટીએસ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનીંગ, રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ કમીટી, રિક્રિએશન સહિતની અલગ  અલગ ૧૨ જેટલી મહત્વની કમીટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દરમ્યાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ પોતાના ચાર-ચાર સભ્યોને કમીટીમાં સમાવવા અંગેની દરખાસ્ત કરાઇ હતી, જો કે, શાસક પક્ષે પરંપરા મુજબ, વિપક્ષના સભ્યોના નામ ધરાર ફગાવી દીધા હતા. જેને લઇ વિપક્ષ કોંગ્રેસ તરફથી ઉગ્ર રોષ વ્યકત કરી હોબાળો મચાવાયો હતો. એક તબક્કે વિપક્ષ કોંગ્રેસ તરફથી મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર પર ભાજપના કાઉન્સીલર તરીકે વર્તવાનો ગંભીર આરોપ લગાવતાં વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરનું વર્તન ઉચ્ચ અધિકારીને શોભે નહી તેવું છે. વિપક્ષ તરફથી માહિતી મેળવવા મામલે મ્યુનિસિપલ કમિશ્નરને ભીંસમાં લેતાં મ્યુનિસિપલ કમિશનરને વિપક્ષને પરખાવ્યું હતું કે, જો માહિતી મેળવવી હોય તો આરટીઆઇ કરો, તેથી વિપક્ષના સભ્યો વધુ ઉશ્કેરાયા હતા.

૧૨ કમિટિમાં કોણ કોણ

        અમદાવાદ,તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મળેલા મ્યુનિસિપલ બોર્ડની મહત્વની સભામાં એએમટીએસ સહિતની જુદી જુદી ૧૨ કમીટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોના નામોની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ૧૨ કમિટિમાં કોણ કોણ છે તેની યાદી નીચે મુજબ છે.

*       રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી - ચેરમેન તરીકે રમેશ દેસાઇ

*       વોટર સપ્લાય કમીટી - રશ્મિકાંત શાહ(ચેરમેન)

*       હાઉસીંગ કમીટી - વલ્લભભાઇ પટેલ(ચેરમેન)

*       ટાઉન પ્લાનીંગ કમીટી - ગૌતમ પટેલ(ચેરમેન)

*       હોસ્પિટલ કમીટી - દેવાંગ દાણી(ચેરમેન)

*       હેલ્થ કમીટી - પરેશ પટેલ(ચેરમેન)

*       એએમટીએસ કમીટી - અતુલ ભાવસાર(ચેરમેન)

*       રિક્રિએશન કમીટી - જીગ્નેશ પટેલ(ચેરમેન)

*       રેવન્યુ કમીટી - ગૌતમ કથીરીયા(ચેરમેન)

*       લીગલ કમીટી - રેણુકા પટેલ

*       મટીરીયલ મેનેજમેન્ટ કમીટી - કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ (ચેરમેન)

*       મહિલા અને બાળ વિકાસ કમીટી - પુષ્પા મિસ્ત્રી(ચેરમેન)

(8:14 pm IST)