Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પાલનપુરમાં કલેકટર કચેરીની બહાર કચરામાંથી મહત્વના રબર સ્ટેમ્પ મળી આવતા ચકચાર

બનાસકાંઠા:જિલ્લાના વડામથક પાલનપુર કલેક્ટર કચેરીની ગંભીર બેદરકારી વચ્ચે વિવિધ વિભાગોના મહત્વના રબર સ્ટેમ્પો રસ્તામાં રઝળતા મળી આવતા ચકચાર મચવા સાથે તંત્ર હરકતમાં આવી ગયું હતું. જોકે આ ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા માંગ ઉઠી હતી.

જિલ્લા મથક પાલનપુર કલેક્ટર કચેરીના વિવિધ અધિકારીઓના હોદ્દાઓના પચાસ જેટલા રબર સ્ટેમ્પ કલેક્ટર કચેરી બહાર વાહન પાર્કિંગ પાસે કચરામાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કલેક્ટર કચેરીના જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે રબર સ્ટેમ્પનો દુરુપયોગ થવાની પણ આશંકા સેવાઈ રહી છે.

કલેક્ટર કચેરીના મહત્વના રબર સ્ટેમ્પ કોને કચરામાં નાખ્યા તે તપાસનો વિષય બન્યો છે.  આ અગાઉ કલેક્ટર કચેરીના રબર સ્ટેમ્પનો દુરુપયોગ થયાનું જાણવા મળે છે. જિલ્લાની મુખ્ય કચેરીની ગંભીર બેદરકારી સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.  આ બાબતે કોઈપણ અધિકારી કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

(5:19 pm IST)