Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

નડિયાદના પીજ રોડ પર ધોળા દહાડે મહિલા ડોકટરના ઘરમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો

નડિયાદ: શહેરમાં ચોરીના બનાવો એ સામાન્ય વાત બની ગઇ છે. પરંતુ તસ્કરોની હિંમત એટલી તો વધી છેકે હવે તસ્કરો ધોળા દિવસે ચોરી કરતા થઇ ગયા છે. આવો જ વધુ એક બનાવ બન્યો છે શહેરના પીજ રોડ પર આવેલ ચીદાનંન્દ સોસાયટીમાં, જ્યા રહેતા એક જાણીતા મહિલા ડોક્ટરના ઘરે ત્રાટકેલા તસ્કરોએ ઘરના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી લાખ્ખો રૂપિયાની મત્તાની ચોરી કરી ગયા છે. 

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના પીજ રોડ પર ગીતાંજલી ચોકડી પાસે ચીદાનંન્દ સોસાયટી આવેલી છે. જ્યા બંગલા નં.૨માં શહેરના જાણીતા મહિલા ડોક્ટર રંજનબેન પરાસર રહે છે. આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રંજનબેન પોતાના ઘરેથી દવાખાને જવા નિકળ્યા હતા. જે બાદ બપોરના સમયે ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં જોયુ હતુ. જેથી ઘરની અંદર આવી તપાસ કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. બેડરૂમની અંદર પહોચી તીજોરીમાં તપાસ કરતા રોકડા રૂપિયા ૫ લાખ તેમજ કિમતી ઘરેણા પણ ગાયબ હોવાનું જોવા મળ્યું હતું. ઘરમાં ચોરી થઇ હોવાનું ધ્યાન પર આવતા રંજનબેને તુરંત પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પશ્ચિમ પોલીસે ઘટનાસ્થળ પર પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે હજુ સુધી પશ્ચિમ પોલીસ સ્ટેશને કોઇ ફરીયાદ નોધાઇ નથી. 

(5:13 pm IST)