Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

દરેક સરકારી કચેરીમાં અરજદારો માટે 'હેલ્પ ડેસ્ક' રાખવા આદેશ

'શું હું આપને મદદ કરી શકું ?' એવુ વાંચવા મળશે

રાજકોટ, તા. ૬ :. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ-નિગમની કચેરીઓમાં લોકો માટે નાગરિકો માટે 'હેલ્પ ડેસ્ક' રાખવા સૂચના આપી છે. આ અંગે વિભાગના સંયુકત સચિવ સી.એમ. સદાદિયાની સહીથી તા. ૨૯ જૂને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે, રાજ્ય સરકારની નાગરિકલક્ષી સુવિધા પુરી પાડતી કચેરીઓમાં નાગરીકોની મુશ્કેલીઓના નિવારણ માટે એક હેલ્પ ડેસ્ક ઉભું કરવાનું રહેશે. આ હેલ્પ ડેસ્ક કચેરીની શરૂઆતના ભાગમાં રાખવું. જેથી નાગરીકોને યોગ્ય માર્ગદર્શન શરૂઆતમાં જ મળી રહે. જેથી નાગરીકોને કામકાજમાં સરળતા રહે.

આ હેલ્પ ડેસ્કની ઉપર સ્પષ્ટ અને મોટા અક્ષરોને વંચાય એ રીતે 'શું હું આપને મદદ કરી શકું ?' એમ ગુજરાતી તથા અંગ્રેજીમાં 'HELP DESK' એમ બોર્ડ-બેનર લગાવવાનું રહેશે.

આ હેલ્પ ડેસ્ક ઉપર ફરજ બજાવવા માટે એક જવાબદાર કર્મચારીની નિમણૂક કરવાની રહેશે. હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા નાગરીકોને સ્પષ્ટ અને સરળ ભાષામાં માહિતી મળી રહે તથા તેના દ્વારા નાગરીકો સાથે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરવામાં આવે તે જોવાની જવાબદારી સંબંધિત કચેરીના વડાની રહેશે.

હેલ્પ ડેસ્ક પર પૂછપરછ કરવા માટે આવતા નાગરિકોને આપેલ માહિતી અન્વયે નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે.

(3:48 pm IST)