Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગુજરાત રાજ્ય હજજ સમિતિ દ્વારા હજજ પઢવા જનારા રાજકોટ જીલ્લાના યાત્રિકોનો કાલે તાલીમ કેમ્પ

રાજકોટમાં પ્રથમવાર જ આયોજન : મહાનુભાવોની હાજરી : હેલ્થ કાર્ડ - પ્રમાણપત્ર અપાશે

રાજકોટ તા.૬ : ગુજરાત રાજ્ય હજજ સમિતિ ગાંધીનગર દ્વારા આવતીકાલ શનિવારે રાજકોટમાં પ્રથમ જ વાર હજજ યાત્રિકોનો માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ  તા.૭ ના સવારે ૯ થી પ વાગ્યા સુધી સુમરા કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ) ખાતે યોજાયો છે. જેમાં માત્રને માત્ર ગુજરાત રાજય હજજ સમિતિ દ્વારા હજજયાત્રાએ જનારા રાજકોટ જીલ્લાના ૨૫૦ જેટલા યાત્રિકો માટે આ કાર્યક્રમ યોજાયો છે.

આ અંગે હજજ સમિતિના ટ્રેનર હાજીભાઇ દોઢીયાએ એક યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં કમિટીના ચેરમેન પ્રો. મહંમદ અલી કાદરી, સભ્ય રફીકબાપુ લીમડાવાલા, વકફ બોર્ડના ચેરમેન સજજાદભાઇ હીરા અને માસ્ટર ટ્રેનર અબ્દુલ ગની મોમીન (ધોળકા) ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ કમીટીના હજજ યાત્રિકો માટે યોજાયો છે અને તેમા દરેક યાત્રિક ભાઇ - બહેનોએ હાજર રહી તાલીમ પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત છે.

બીજી તરફ કમિટીના હજજ યાત્રિકોને આ કાર્યક્રમમાં જ મેનેન્જાઇટીસ પોલીયોની રસી મૂકી તેનું હેલ્થકાર્ડ આપવામાં આવશે તેમ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહેલા રાજકોટ સ્થિત ટ્રેનરશ્રી  દોઢીયાએ અંતમાં જણાવ્યું છે.(૫.૧૨)

(11:52 am IST)