Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કોળી સમાજ જોર, જુલ્મ અને ઉપેક્ષાનો ભોગ

મોટી વસ્તી ધરાવતા આ સમાજને હવે ન્યાય ન મળે તો યુવાનોનું આંદોલન : રાજયપાલને વિસ્તૃત આવેદનપત્ર

રાજકોટ તા. ૬ : ગુજરાતમાં સૌથી મોટી વસ્તી કોળી સમાજની છે. છતા આ સમાજ જોર, જુલ્મ અને ઉપેક્ષાનો સતત ભોગ બનતો આવ્યો હોવાના રોષ સાથે યુવા કોળી સમાજ ગુજરાત (સુરત) દ્વારા રાજયપાલને ઉદેશીને તૈયાર કરાયેલ આવેદનપત્ર કલેકટરશ્રીને પાઠવવામાં આવેલ છે.

આવેદનપત્રમાં જણાવ્યુ છે કે હાલમાં જ પીપાવાવ જમીન મુકતી ઉપવાસ આંદોલમાં બેઠેલાઓમાં ૯૫% ભાઇ બહેનો કોળી સમાજના હતા. જેને આજ સુધી ન્યાય મળ્યો નથી.

એજ રીતે ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના પીછવી અત્યાચાર કાંડ, જાફરાબાદ તાલુકાના ભાડા ગામે થયેલ બળાત્કાર કાંડ, ભાવનગરના માઢીયા ગામે થયેલ બળાત્કાર કાંડ, ભાવનગરના બોરતળાવ ખાતેનો દુષ્કર્મ કાંડ, તળાજાના મથાવાડા દુષ્કર્મ કાંડ, તળાજાના દિહોર હત્યાકાંડ, જામનગર સામાજીક અત્યાચાર અને હત્યાકાંડ, થાન-ચોટીલા હત્યા કાંડ, સોશ્યલ મીડીયા વિડીયો વાયરલ કરી ામાજીક વૈમનસ્ય ઉભુ કરવાનું કૃત્ય, બોટાદના કાનીયા મર્ડરનો બનાવ, ભાવનગર ગુંદી કોળીયાક મર્ડર, સીદસર મર્ડર, દ્વારકા મર્ડર, બોટાડદના ગઢડા રસનાળ બળાત્કાર મર્ડર વગેરે તેમજ ચાંદની હત્યા કાંડથી આજ સુધી અનેક બનાવોનો ભોગ કોળી સમાજ બનતો આવ્યો છે. આ સમાજને ન્યાય કરવામાં હંમેશા ઉદાસીનતા દાખવવામાં આવી છે.

પરંતુ હવે કોળી સમાજને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો આંદોલન કરશે તેવી ચીમકી યુવા કોળી સમાજ ગુજરાત (સુરત) દ્વારા અપાયેલ આ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.

કોળી સમાજ ભોળો વર્ગ છે. તેનો લાભ લઇ પોલીસ તંત્ર અને પ્રશાસનની સીધી સાંઠગાંઠ નીચે દારૂના ધંધામાં સંડોવી દેવા યેનકેન પ્રયાસો થઇ રહ્યા છે. કોઇી સમાજની આર્થિક દુર્દશાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મોટેભાગે વસવાટ હોય છે. આ અશિક્ષિત સમાજના લોકોને બાળકો સાથે દુર દુર પેટીયુ રળવા જાવુ પડે છે. તેમના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી શકતુ નથી. સામાજીક પગભર બનવા કોળી સમાજને લોકહીતમાં મત અધિકાર મળ્યો છે. પણ ખરા અર્થમાં રાજનૈતિક સક્ષમતા કોળી સમાજના નેતૃત્વને મળી નથી.

પીપાવાવ જમીન મુકિણ આંદોલનમાં ન્યાયી ઉકેલ લાવી ઉપવાસીઓને પારણા કરાવવા, દરીયા કાંઠે વસતા ખેડુતોની જમીનો ઉદ્યોગોના નામે સંપાદિત કરી પાયમાલ થતા બચાવવા આવા  અસરગ્રસ્ત ખેડુતોને તેની જમીનમાં સ્થાપાતા ઉદ્યોગોમાં શેર હોલ્ડર તરીકે ભાગીદાર બનાવવા, જમીન વિહોણા કોળી સમાજના ખેતમજુર પરિવારોને જીવન નિર્વાહ માટે પડતર જમીનોમાંથી ખેતી કરવા માટે ફાળવવા, મીઠા ઉત્પાદન અને શાકભાજી ઉત્પાદન માટે જમીન ફાળવવા, અત્યાચારના બનાવોમાં ન્યાય અપાવવા, દારૂ બંધીનો પારદર્શક અમલ કરાવવા, ગ્રામ્ય વિસ્તારોમાં આ સમાજને પ્રાથમિક શિક્ષણ મળે તેવી સુવિધાઓ ઉભી કરવા સહીત દસેક મુદ્દે આ આવેદનપત્રમાં રજુઆત કરાઇ છે.

મનસુખભાઇ ગોવાણી, પરસોતમ ભરાડીયા, પુનાભાઇ જાદવ, વિજયભાઇ સાકરીયા સહીતના (જય માંધાતા ગ્રુપ રાજકોટ) આગેવાનોની સહીઓ સાથેનું આવેદનપત્ર રાજયપાલશ્રીને પહોંચાવડા કલેકટરને સુપ્રત કરાયુ છે. (૧૬.૧)

 

(11:49 am IST)